ગુજરાત
News of Friday, 2nd October 2020

ખેડા તાલુકાના ચિત્રાસર ગામે લોભામણી સ્કીમની લાલચ આપી 35 મહિલાઓ સાથે છેતરપિંડી આચરનાર ઠગ મહિલા વિરુદ્ધ ગુનો દાખલ

ખેડા: તાલુકાના ચિત્રાસર ગામની એક મહિલાએ લોભામણી સ્કીમની લાલચ આપી ગામની ૩૫ મહિલાઓનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ દર મહિને થોડા-થોડા કરી કુલ રૂ.૧.૯૦ લાખ જેટલી રકમ સ્કીમમાં ભરાવ્યાં બાદ કંપની બંધ કરી દીધી હતી. મહિલાઓએ પોતે ભરેલા રૂપિયા પરત મેળવવા માટે અનેકોવાર આજીજી કરી છતાં આ ઠગ મહિલાએ આજદિન સુધી રૂપિયા પરત ના આપતાં આખરે મહિલાઓએ ઠગ મહિલા વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે ઠગ મહિલા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના ચિત્રાસર ગામમાં રહેતાં સુલોચનાબેન અનિલભાઈ રાઠોડે આજથી સાત વર્ષ અગાઉ એટલે કે સન ૨૦૧૩ની સાલમાં ગામમાં જ રહેતી ૩૫ જેટલી મહિલાઓને ચક્ર વિઝન મ્યુચ્યલ બેનીફીટ ઈન્ડિયા લીમીટેડ નામની કંપનીમાં જુદી-જુદી સ્કીમ આવી હોવાની લોભામણી લાલચ આપી તેમાં સભ્ય બનવા માટે ઓફર કરી હતી. દર મહિને રૂ.૧૦૦, રૂ.૨૦૦, રૂ.૫૦૦ લેખે પાંચ વર્ષ સુધી રૂપિયા ભરવાથી રૂ.૧૦૦ વાળી સ્કીમના રૂ.૧૦,૦૦૦, રૂ.૨૦૦ વાળી સ્કીમના રૂ.૨૦,૦૦૦ તેમજ રૂ.૫૦૦ વાળી સ્કીમના રૂ.૫૮,૦૦૦ પરત મળતાં હોઈ તમામ મહિલાઓ આ સ્કીમમાં જોડાયાં હતાં.

(5:49 pm IST)