ગુજરાત
News of Friday, 4th December 2020

અમદાવાદ :કોલ સેન્ટર કિંગ નિરવ રાયચુરાને પાસા હેઠળ ભૂજની પાલારા જેલમાં મોકલાયો

રાયચુરા વિરૂધ્ધ ક્રિકેટ સટ્ટા, મહેફીલ અને આર્મ્સ એકટ મુજબ ત્રણ ગુના દાખલ

અમદાવાદ :કોલસેન્ટર કિંગ નિરવ રાયચુરાને આનંદનગર પોલીસે પાસા હેઠળ ઝડપી લઈ ભૂજની પાલારા જેલમાં મોકલી આપ્યો હતો. 40 દિવસ અગાઉ રાયચુરા વિરૂધ્ધ ક્રિકેટ સટ્ટા, મહેફીલ અને આર્મ્સ એકટ મુજબ ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જુગારધારાના કેસના પગલે પોલીસે આરોપીની પાસા દરખાસ્ત મોકલી આપી હતી. જે મંજુર થતા આજે આરોપીને ઝડપી લઈ ભુજ મોકલી અપાયો હતો.

ડીસીપી ઝોન 7 પ્રેમસુખ ડેલુએ આનંદનગરમાં રમાડા હોટલની સામે સફલ પ્રોફીટેરમા આવેલી કોલ સેન્ટર કિંગ નિરવ રાયચુરાની ઓફિસમાં નિરવ હર્ષદરાય રાયચુરા (ઉં,38) રિવેરા ગ્રીન્સ, ગોકુલધામ શાંતીપુરા સર્કલ પાસે, સરખેજ-સાણંદ રોડ, સંતોષ સોઢા ચોસલા (ભરવાડ) (ઉં,44) રહે, ગાલા સ્વિંગ,સોબો સેન્ટર પાસે, સાઉથ બોપલ અને રાહુલ ધરમશી પુરબીયા (ઉં,27) રહે,કર્ણાવતી નગર, પીનાકલ બિઝનેસ પાર્ક સામે,આનંદનગરની ધરપકડ કરી હતી.

પોલીસે નિરવ રાયચુરાની ઓફિસમાં રાત્રે દરોડા પાડ્યા હતાં. આરોપીઓ દારૂની મહેફીલ માણતાં ઝડપાયા હતા. પોલીસને દારૂની ભરેલી-ખાલી 11 બોટલો મળી આવી હતી. આરોપી નિરવ મોબાઈલ ફોનમાં ક્રિકેટ અને ફૂટબોલ સટ્ટો પણ રમતો હોવાનું રેડ દરમિયાન ધ્યાને આવ્યું હતું. આરોપીની ઓફીસના ટેબલના ડ્રોવરમાંથી પોલીસને કાગળમા લપેટલા રૂ.38 લાખના દાગીના મળી આવ્યા, બે ધારદાર ચપ્પા,મોબાઈલ ફોનો જેમાં ક્રિકેટ સટ્ટાની એપ મળી આવી હતી.

આનંદનગર પોલીસે આરોપી નિરવ રાયચુરા વિરુદ્ધ ક્રિકેટ સટ્ટો,દારૂની મહેફીલ અને હથિયારધારા મુજબ ત્રણ ગુના દાખલ કર્યા તેમજ સંતોષ અને રાહુલ વિરુદ્ધ મહેફીલ અને હથિયારના બે ગુના દાખલ કર્યા હતા.

(11:17 pm IST)