ગુજરાત
News of Sunday, 7th March 2021

સમાજના તમામ ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવી નેતૃત્વ સંભાળે , મહિલાઓને ભારત નિર્માણમાં સહયોગ આપવા રૂપાણીનું આહવન

આઇ- હબ દ્વારા આયોજિત “ વી સ્ટાર્ટ મીટ” નો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગાંધીનગર: ગુજરાત સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે, ત્યારે ભારતને 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાનાં વડાપ્રધાન  મોદીના પ્રયત્નોને સાકાર કરવા માટે મહિલાઓ પણ તેમાં સહયોગી બને તેવું આહવાન મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ કર્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિનના પૂર્વ દિને યોજાયેલા કાર્યક્રમમાં નારીશક્તિને અગાઉથી જ મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવતાં તેમણે કહ્યું કે આજના કાર્યક્રમના મેન્ટર, ઈન્વેસ્ટર, ઈનોવેટર, અને સંચાલક તમામ મહિલાઓ છે તે જાણીને આનંદ થયો છે

નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે યોજાયેલા વી સ્ટાર્ટ અપ સમિટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વિદેશની સંસ્કૃતિમાં નારી શક્તિની ઉપાસના અને માન-સન્માન માત્ર એક દિવસ એટલે કે વિશ્વ મહિલા દિવસ પૂરતા ઊજવાય છે. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સન્માન આદર એ સદીઓની અને નિત્ય પરમ્પરા એ હમેશા રોજ થાય છે. એટલે જ ભારતીય શાસ્ત્રોમાં કહેવાયું છે કે, જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. લક્ષ્મીનો વાસ છે. આપણી સંસ્કૃતિમાં રાધા-કૃષ્ણ, ઉમા-શંકર, સીતા-રામ વગેરે ભગવાનનાં નામમાં પણ મહિલા શક્તિનું નામ પ્રથમ આવે છે, એ ભારતીય સંસ્કૃતિના નારીશક્તિના સન્માનના દ્યોતક છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇન્ક્યુબેટર સેન્ટરો ઉભા કર્યા છે. બાવળા ખાતે ઇઝરાયેલના સહયોગથી icreate સંસ્થાની સ્થાપના કરી છે. પી.એચ.ડી કરતા વિદ્યાર્થીઓને તેમના શોધનિબંધ માટે “શોધ”યોજના અંતર્ગત દર મહિને રૂપિયા પંદર હજારની સહાય અપાય છે. રાજ્ય સરકારે મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આપેલા આરક્ષણના પરિણામે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અનેક મહિલાઓ વિજેતા બની છે. આ મહિલાઓ નવા ભારતના નિર્માણમાં સક્રિય સહયોગ આપવાની છે , તે જ રીતે સમાજના તમામ ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવી નેતૃત્વ લે તે સમયની તાતી જરૂરિયાત છે.

 

રાજ્ય સરકારે મહિલાઓને મિલકતના અધિકાર ધરાવતી થાય તે માટે મિલકત નોંધણી ફીમાં માફી આપી છે, જેનાથી અનેક મહિલાઓ મિલકતની માલિક બની છે. નારી-શક્તિ જે રીતે ઘરનું મેનેજમેન્ટ ચોકસાઈથી કરે છે, એવું તે જે ક્ષેત્રમાં આગળ વધે ત્યાં ચોક્કસ કરી શકે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે ક્હ્યું કે, મહિલાઓને સહાય મળે, સ્ટાર્ટઅપ માટેનું વાતાવરણ ઉભું થાય તે માટે તમામ જરુરી સહકાર રાજ્ય સરકાર આપશે. જરુર છે ફક્ત વિચાર કરવાની અને વિચારને મૂર્તિમંત કરવા તેની પાછળ લાગી જવાની.

મુખ્યમંત્રીએ ‘દુનિયા ઝૂકતી હૈ ઝૂકાનેવાલા ચાહિએ’ ઉક્તિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સ્ટાર્ટઅપ અને ઈનોવેશનથી આજનો યુવાન જોબસીકર નહીં, પણ જોબગીવર બને છે.કોઈ પણ વસ્તુની બ્રાન્ડ બનાવી તેને બજારમાં સ્થાપિત કરે તો આગળનો રસ્તો આપોઆપ બની જશે તેવા અનેક વિધ ઉદાહરણો તેમણે આપ્યા હતા.

 

મુખ્યમંત્રીએ વિવિધ સ્ટાર્ટઅપના સ્ટોલ પર જઈ જુદી-જુદી પ્રોડક્ટ અને સેવાઓની જાણકારી મેળવી હતી. તેમણે ‘વી સ્ટાર્ટ સેલિબ્રેટિંગ વુમન ઈન સ્ટાર્ટઅપ’ નામની કોફીટેબલ બુકનું પણ વિમોચન કર્યું હતું.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહિલા દિનની અગાઉથી શુભેચ્છા પાઠવી કહ્યું કે, સ્ટેન્ડ-અપ, સ્ટાર્ટઅપ જેવા શબ્દો અગાઉ આપણે સાંભળ્યા ન હતા. હા, આ માત્ર સૂત્રો કે સ્લોગન નથી. ન્યૂ ઇન્ડિયા માટેનું આયોજન છે, નયા ભારતની નિર્માણની કૃતસંકલ્પતા તેમાં પ્રતિબિંબિત થાય છે.

મહિલા અને બાળવિકાસ રાજ્યમંત્રી વિભાવરી દવેએ જણાવ્યું કે સ્વસહાય જુથની બહેનોને રૂપિયા એક લાખની સહાય કરવાનો સ્તુત્ય નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. દેશમાં 50 કરોડ કારીગરોમાં માત્ર 8 કરોડ મહિલાઓ જ છે. આમાં વધારો કરવાની તાતી જરૂર છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના ક્રિસ્ટિન લેગાર્ડનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે જો મહિલાઓને રોજગારી ક્ષેત્રે સાંકળવામાં આવે તો દેશનું અર્થતંત્ર 27 ટકા વધી શકે તેમ છે.

શિક્ષણ અગ્ર સચિવ અને IHubના ચેરપર્સન અંજુબેન શર્માએ જણાવ્યું કે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યાના માત્ર ચાર માસ બાદ જ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલીસી જાહેર કરી સ્ટાર્ટઅપને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતુ. જેના પગલે સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાત દેશમાં એકમાત્ર એવું રાજ્ય છે જેમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે, ઉદ્યોગ સાથે શિક્ષણને પણ એવોર્ડ મળેલ છે. પ્રોડક્ટ માઈન્ડથી માંડીને માર્કેટ સુધી પહોંચાડવા માટે IHub મહત્ત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે તેની રુપરેખા તેમણે આપી હતી.

આ અવસરે મહિલા અને બાળ વિકાસ સચિવ મનીષા ચંદ્રા, ઉચ્ચ શિક્ષણના નિયામક એમ.નાગરાજન ટેકનિકલ શિક્ષણના નિયામક જી.ટી.પંડ્યા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા અને વિવિધ સ્ટાર્ટઅપની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

(7:21 pm IST)