ગુજરાત
News of Monday, 8th March 2021

ગાંધીનગર : વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ અધિકારીને કોરોના

હળવા લક્ષણો હોવાથી અધિકારી હોમ આઈસોલેશનમાં : મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીના મતે વેક્સિનના બંને ડોઝ લીધા બાદ ૪૫ દિવસ પછી એન્ટિબોડીઝ તૈયાર થાય છે

અમદાવાદ, તા. ૭ : ગુજરાતમાં એક સ્વાસ્થ્ય અધિકારીને વેક્સિનનો બીજો ડોઝ લીધાના થોડા દિવસો બાદ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. તેમણે કોરોનાના બંને ડોઝ નિયમિત અંતરે લીધા હતા.

ગાંધીનગરના દેહગામ તાલુકાના સ્વાસ્થ્ય અધિકારીએ ૧૬ જાન્યુઆરીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે ૧૫ ફેબ્રુઆરી તેમણે બીજો ડોઝ લીધો હતો. બાદમાં તેમને તાવ આવ્યો હતો અને તેમના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૨૦ ફેબ્રુઆરીએ તેમને કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું હતું, તેમ ગાંધીનગરના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર એમએચ સોલંકીએ જણાવ્યું હતું.

ડોક્ટર સોલંકીએ જણાવ્યું હતું કે, હાલમાં તે અધિકારી હોમ આઈસોલેશનમાં છે કેમ કે તેમના કોરોના લક્ષણો ઘણા હળવા છે. તેમણે મને કહ્યું હતું કે તેઓ એકદમ ફિટ છે અને સોમવારથી કામ પર પરત ફરશે. મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, વેક્સિનના બંને ડોઝ લીધા પછી સામાન્ય રીતે ૪૫ દિવસ બાદ ચેપ સામે એન્ટિબોડિઝ તૈયાર થાય છે.

તેમણે કહ્યું હતું કે લોકોએ કોરોના વેક્સિનના ડોઝ લીધા બાદ પણ કોરોનાથી બચવા માટે ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન જેવા કોવિડ-૧૯ પ્રોટોકોલનું પાલન કરવુ જોઈએ. નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના ૫૭૧ નવા કેસ નોંધાયા હતા.

(9:55 pm IST)