વડોદરા નજીક મુકુટનગરમાં ખેતરમાં દારૂની પાર્ટી માણવા બેસેલ વડોદરાના પાંચ શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા
વડોદરા:નજીક મુકુટનગર સામે એક ખેતરમાં દારૃની પાર્ટી માણવા બેસેલા વડોદરા શહેરના પાંચ યુવાનો સહિત છ જણાની પોલીસે ધરપકડ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે મંજૂસર પાસે મુકુટનગર સામે અશોકભાઇ પટેલના ખેતરમાં દારૃની પાર્ટી ચાલે છે તેવી બાતમીના આધારે ભાદરવા પોલીસે રાત્રે દરોડો પાડયો હતો. પોલીસના દરોડાના પગલે ખેતરમાં દારૃની પાર્ટી માણતા અડધો ડઝન નશેબાજોનો નશો પોલીસને જોઇને ઉતરી ગયો હતો. પોલીસે તપાસ કરતા તમામ છ યુવાનો દારૃનો નશો કરેલી હાલતમાં જણાયા હતાં.
પોલીસે ઘટનાસ્થળેથી અંકિત હરેશભાઇ પંચાલની બ્રેઝા કાર, દારૃની બોટલ, ખાલી ગ્લાસ મળી કુલ રૃા.૩.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની તપાસમાં અશોક પટેલનું ખેતર તાલુકા પોલીસની હદમાં આવ્યું છે જેથી ભાદરવા પોલીસે પ્રાથમિક ગુનો દાખલ કરી સમગ્ર કેસના કાગળો તાલુકા પોલીસને સોંપી દીધા હતાં.