ગુજરાત
News of Monday, 8th March 2021

વડતાલ મંદિરમાં પ્રથમવાર નાસિકની દ્રાક્ષના શણગાર દર્શન: ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા

વડતાલધામમાં 196 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર તાજી લીલી કાળી દ્રાક્ષના શણગાર અને સજાવટ

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પ્રથમ વખત નાસિકની દ્રાક્ષના શણગાર કરવામાં આવ્યા હતા.વડતાલના ઇતિહાસમાં પ્રથમ વખત આ શણગાર કરવામાં આવતા ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

  શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં સ્વહસ્તે જ્યા મૂર્તીઓની પ્રતિષ્ઠા કરી છે એવા વડતાલધામમાં 196 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર તાજી લીલી કાળી દ્રાક્ષના શણગાર અને સજાવટ કરવામાં આવ્યા હતા. આ માટે પૂ પુરાણીશ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ મંદિર નાસિકથી 2500 કીલો દ્રાક્ષ વડતાલ મોકલાવી હતી અને પૂ શ્યામવલ્લભ સ્વામી અને સ્વયં સેવક મંડળે ભક્તિપૂર્વક અપૂર્વ સજાવટ કરીને દેવની શણગાર કર્યા હતા. વડતાલ મંદિરના ઈતિહાસમાં આ શણગાર પ્રથમવાર હોય, હજારો ભક્તોનું પૂર ઊમટી પડ્યું હતું .સભામાં પ પૂ આચાર્ય મહારાજે પૂ માધવ સ્વામી નાસિકવાળાની સેવા ભાવનાને બિરદાવી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. રવિસભા સુવર્ણ જયંતિ પ્રસંગે ઊપસ્થિત ભક્તોને પ્રસાદમાં પણ દ્રાક્ષ આપવામાં આવી હતી. આ સમગ્ર વ્યવસ્થા પૂજારી શ્રી હરિકૃષ્ણાનંદજીએ સંભાળી હતી.

(6:41 pm IST)