ગુજરાત
News of Thursday, 10th September 2020

આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિન

ધાર્મિક પુસ્તકો વાંચવાથી તણાવ ઘટે

લોકોના મનમાં આત્મહત્યાનો વિચાર આવે ત્યારે પરિવારના અને નજીકના સભ્યોએ તેને ભાવનાત્મક અહેસાસ કરાવવો જોઇએ

અમદાવાદઃ કોરોના મહામારી દરમ્યાન ઘણા લોકો ડીપ્રેશનમાં આવી ગયા છે. આવા લોકોના મનમાં વારંવાર આત્મહત્યા કરવાના વિચારો આવે છે ત્યારે પરિવારના લોકો તથા નજીકના લોકોએ આગળ આવીને તેમને ભાવનાત્મક અહેસાસ કરાવવો જોઇએ. જેથી ડીપ્રેશનનો શિકાર વ્યકિત થોડો નોર્મલ થઇ શકે.નિષ્ણાંતોનું કહેવું છે કે નિયર એન્ડ ડીયરથી એક ઇમોશનલ વેન્ટીલેશન ઉત્પન્ન થાય છે, જે નિરાશામાં ડૂબેલ વ્યકિતને બચાવવા માટે સક્ષમ છે. આમ આત્મહત્યાની ઘટનાને રોકી શકાય છે. ગીતા, રામાયણ અથવા અન્ય ધાર્મિક ગ્રંથો વાંચવાથી પણ નકારાત્મક વિચારોને હાવી થતા રોકી શકાય છે. પોતાની જીંદગીના ખુશહાલ અનુભવોને યાદ કરીને પણ તણાવ ઘટાડી શકાય છે.અમદાવાદની મેન્ટલ હોસ્પિટલના અધિક્ષક અને મનોરોગ નિષ્ણાંત ડો.અજય ચૌહાણનું કહેવું છે કે આત્મહત્યા રોકવા માટે નિયર એન્ડ ડીયર વ્યકિતએ આગળ આવવું જોઇએ. ભલે તે તણાવગ્રસ્ત વ્યકિતની સમસ્યા ન સુલઝાવી શકે તેમ હોય તો પણ તેમની વાતો સાંભળીને અમે તમારી સાથે છીએ. એવો વિશ્વાસ અપાવવો જોઇએ.ડો.અજય ચૌહાણ અનુસાર, મનમાં તણાવ અને ડીપ્રેશનવાળી વ્યકિતમાં પ્રાથમિક તબક્કામાં જ આત્મહત્યાના વિચારો ઉત્પન્ન થવા લાગે છે. ધીમે ધીમે તેમના વિચારો નકારાત્મક થતા જાય છે અને તેઓ નિરાશાવાદી થવા લાગે છે. ત્યાર પછી આત્મહત્યાના વિચારો ઉત્પન્ન થવા લાગે છે. આ લક્ષણો ઓળખીને જો આવા લોકોનો સહયોગ કરવામાં આવે તો આત્મહત્યાની નોબત નથી આવતી.

(3:19 pm IST)