ગુજરાત
News of Thursday, 10th September 2020

સરકાર ૧૦ લાખ ટન મગફળી ખરીદશેઃ ૧ ઓકટોબરથી ઓનલાઇન નોંધણી

પુરવઠા નિગમ હસ્તક કામગીરીઃ ૧૯ નવેમ્બરથી ર૦૦ થી વધુ કેન્દ્રો પરથી ખરીદી થશેઃ સરકારના ૪ વિભાગના કર્મચારીઓ જોડાશે

રાજકોટ, તા., ૧૦: રાજય સરકારે આ વર્ષે સતત બીજા વર્ષે નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી ટેકાના ભાવ ૧૦૦ કિલોના રૂ. ૫૨૭૫ લેખે લાભ પાંચમ તા.૧૯ નવેમ્બરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે તેની વહીવટી કામગીરી શરૂ થઇ ચુકી છે.

સરકારી સુત્રોના જણાવ્યા મુજબ વાવેતરનું પ્રમાણ જોતા પ૦ લાખ ટન આસપાસ મગફળી પાકવાનો અંદાજ છે. વરસાદથી થયેલ નુકશાનીનો સર્વે ચાલુ છે. સરકારની નીતી મુજબ ૨૫ ટકા લેખે ૧૦ લાખ ટન જેટલી મગફળી ખરીદવાપાત્ર થશે. તે ગયા વર્ષ કરતા લગભગ બમણું પ્રમાણ છે. તા.૧ થી ૩૧ ઓકટોબર સુધી ખેડુતોની ઓનલાઇન નામ નોંધણી થશે. ખેડુતો  ઇ-ગ્રામ કેન્દ્ર પરથી નોંધણી કરાવી શકશે. ગયા વર્ષે ૧૨૨ ખરીદ કેન્દ્રો હતા આ વખતે મગફળીનું ઉત્પાદન વધુ થાય તેમ હોવાથી નિગમ ૨૦૦ થી વધુ કેન્દ્રો રાખવા માંગે છે. નિગમ ઉપરાંત કૃષિ, મહેસુલ અને પંચાયત વિભાગના કર્મચારીઓ મગફળી ખરીદી માટે જવાબદારી સોંપવામાં આવશે. તેના માટે જે તે જિલ્લા કલેકટર દ્વારા ફરજ સોંપવાના હુકમ કરવામાં આવશે.પુરવઠા નિગમના ઘણા કર્મચારીઓ નિવૃત થઇ જતા કર્મચારીઓની અછત છે ઉપરાંત કોરોનાના કારણે રાશન કાર્ડ પર અનાજ વિતરણની કામગીરી વધુ રહે છે. નિગમે અન્ય વિભાગના કર્મચારીઓના સહકારથી મગફળી ખરીદીનું પડકારરૂપ કામ સ્વીકાર્યુ છે. ખરીદી માટે ખેડુતોને ફોન પર મેસેજ મોકલવાની ખરીદી પછી ખાતામાં નાણા જમા કરવાની કામગીરી  ગયા વર્ષની પધ્ધતી મુજબ જ કરવામાં આવશે.

આ વર્ષે એક તરફ મગફળી ખરીદીની પ્રક્રિયા ચાલતી હશે. બીજી તરફ તાલુકા-જિલ્લા પંચાયતોની ચુંટણીના ઢોલ વાગતા હશે. ચુંટણીનું વર્ષ હોવાથી સરકાર ખરીદી પ્રક્રિયામાં સજાગ રહેવા માંગે છે. સરકારે કોઇ સહકારી સંસ્થા હસ્તક કામગીરી રાખવાના બદલે પુરવઠા નિગમને જ સોંપી છે તે ગયા વર્ષની કામગીરીની કદર ગણાય છે. ટેકાના ભાવે ૧૯ નવેમ્બરથી ૯૦ દિવસ ખરીદી ચાલશે. અત્યારે જેટલો અંદાજ છે તેટલુ ઉત્પાદન અને જે રીતે આયોજન થઇ રહયુ઼ છે તે રીતે ખરીદી થાય તો તે ઘટના ગુજરાતમાં અભુતપુર્વ બનશે.

(3:59 pm IST)