ગુજરાત
News of Thursday, 10th September 2020

કલોલ તાલુકાના શેરીસા ગામમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડતા જુગારીઓમાં દોડધામ જોવા મળી

કલોલ: તાલુકાના શેરિસા ગામમાં આવેલા બહુચરપુરામાં રહેતા જવાનજી ઠાકોરના ઘરની પાછળ ભેંસ બાંધવાના શેડની અંદર જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ગઇકાલે મોડીરાત્રે સાંતેજ પોલીસે દરોડો કર્યો હતો. પોલીસના દરોડાને પગલે જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. સ્થળ પરથી જુગાર રમતા બાબુજી માસંગજી ઠાકોર, ટીનાજી કેશાજી ઠાકોર, જવાનજી વીહાજી ઠાકોર ઝડપાયા હતા. જ્યારે અન્ય પાંચ શખ્સો સાગરજી મહોબતજી ઠાકોર, કિરણજી સંગ્રામજી ઠાકોર, દીલીપજી મહોતજી ઠાકોર, જીતુજી રામાજી ઠાકોર, સુરેશજી રમેશજી ઠાકોર અંધારાનો લાભ લઇ ભાગી છુટયા હતા. પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઇ અન્ય પાંચને વોન્ટેડ બતાવી કુલ રૂપિયા ૧૪,૫૦૦ની રોકડ રકમ કબ્જે લીધી હતી. ત્યારે કલોલ શહેર પોલીસે પણ કલોલ પૂર્વમાં લવલી ચોક પાસે પે એન્ડ યુઝ પાસેથી વરલી મટકાનો જુગાર રમાડતા ચંદ્રકાત ઉર્ફે ચંદ્રો ચીનુભાઇ શાહને જુગારના સાહિત્ય અને રૂપિયા ૧૫૨૦ ની રોકડ સાથે રંગેહાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(5:28 pm IST)