ગુજરાત
News of Thursday, 10th September 2020

પરિણીતાને બાળકો નહીં થતાં સાસરિયાએ ઘરમાંથી કાઢી મૂકી

સાસરિયાના ત્રાસ સામે પરિણીતાની ફરિયાદ : મહિલાના સાસુ, દિયરને કોરોના થતા તેના પતિએ સાસુ, સસરા અને દિયરને પોતાના ઘરે લાવવાની વાત કરી હતી

અમદાવાદ,તા.૧૦ : બદલાતા જમાનામાં હજી પણ કેટલાક લોકો પ્રાચીન માનસિકતા સાથે જીવન જીવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ક્યારેક સંતાન માટે તો ક્યારેક પુત્રની ઘેલછામાં પરિણીતાને ત્રાસ આપવામા આવતો હોય તેવા અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરમાં આવો વધુ એક બનાવ જોવા મળી રહ્યો છે. શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ આપી છે કે, તેના લગ્ન  ૨૦૧૫માં ચાંદલોડિયામાં રહેતા એક યુવાન સાથે થયા હતા. મહિલાએ પોતાના સાસરિયા અને પતિ સામે ત્રાસની ફરિયાદ નોંધાવી છે. મહિલાએે ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્નના બીજે દિવસથી તેના સાસુ તેને કહેવા લાગ્યા હતા કે, તું તારા બાપાના ઘરેથી શું લાવી છે, અમારે સમાજમાં બતાવવાનું છે અમારા મોભા પ્રમાણે તારા પિતાએ કંઈ આપેલુ નથી એમ કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લગ્નના દસ બાર દિવસ બાદ પરિણીતાની નણંદે તેના પતિને ઉશ્કેરતા બંને વચ્ચે ઝઘડા થતાં હતાં.

       ત્યારબાદ ફરિયાદી તેના પિતાને ત્યાં રહેવા માટે ગઇ હતી. જોકે, સમાજના આગેવાનો બંને વચ્ચે સમાધાન કરાવતા પતિ પત્ની અલગ અલગ રહેવા માટે ગયા હતા. છતાંપણ મહિલા પર પતિ અને સાસરીયા  ત્રાસ ગુજારતા હતા. ૧૧ જુલાઈ ૨૦૨૦ના દિવસે મહિલાના સાસુ અને દિયરને કોરોના થતા તેના પતિએ સાસુ, સસરા અને દિયરને પોતાના ઘરે લાવવાની વાત કરી હતી. જોકે મહિલાએ ઈનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અને મહિલાના સાસુએ કહ્યું હતું કે, વાંઝણી છે તેને ઘરમાંથી કાઢી મુકો. તેમ કહીને તેના દિયર અને સાસુએ ધમકી આપી હતી કે, છૂટાછેડા ના કાગળો પર સહી કરી ને નહિ જાય તો તેને અને તારા પરિવારને મારી નાંખીશ. જે બાદ મહિલાએ પોલીસને જાણ કરતા હાલમાં પરિણીતાના પતિ, સાસુ - સસરા ,દિયર અને નણંદ સામે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

(7:42 pm IST)