ગુજરાત
News of Thursday, 10th September 2020

ગુજરાતભરમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતીઓને બફારાથી છૂટકારો મળશે : હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં ૫ દિવસ સુધી વરસાદ પડશે

અમદાવાદ,તા.૧૦ : રાજ્યભરમાં બફારાના વધતા પ્રમાણને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. સ્થિતિમાં એક સારા સમાતાર છે. ગુજરાતમાં એક સપ્તાહનાં વિરામ બાદ આજથી પાંચ દિવસ માટે ફરી વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ સુધી વરસાદ વરસી શકે છે. નોંધનીય છે કે, અત્યારસુધીમાં સિઝનનો કુલ ૧૨૧ ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ વીજળીના ચમકારા સાથે ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દાહોદ, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

      જ્યારે ૧૨મી સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી માહોલ પાંચ દિવસ માટે રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી પ્રમાણે ફરી એક વખત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. જોકે હજુ પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી સુકાયા નથી ત્યાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૨૧ ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ ચોમાસાની સિઝનના ૨૦ દિવસ બાકી છે. નોંધનીય છે કે બુધવારે પણ રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગઇકાલે અમદાવાદ જિલ્લા, ડાંગ, સાપુતાર, આહવા, કડી જેવા વિસ્તારોમાં વરસાદી ઝારટા પડ્યા હતા. સાથે ઉપરવાસમાં વરસાદને કારણે સાબરકાંઠામાં આવેલી હાથીમતી નદી બે કાંઠે વહી રહી છે.

(7:46 pm IST)