ગુજરાત
News of Saturday, 10th October 2020

અમદાવાદના પશ્ચિમ બાદ હવે પૂર્વ વિસ્‍તારમાં કોરોના પ્રસર્યોઃ કન્‍ટેન્‍મેન્‍ટ ઝોનમાં 12 વિસ્‍તારો ઉમેરાયા

અમદાવાદ: ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસો 1243 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરતમાં 173 કેસો નોંધાયા છે. જયારે અમદાવાદ શહેર બીજા સ્થાને છે. અમદાવાદમાં 164 કેસો જ નોંધાયા છે. આમ અગાઉ કરતાં ગુજરાત જ નહીં બલ્કે અમદાવાદમાં પણ ઘટાડો નોંધાયો છે. પરંતુ અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં આજે વધારો થયો છે. તેમાંય વળી પશ્ચિમ જ નહીં બલ્કે પૂર્વ વિસ્તારમાં પણ કોરોનાના કેસો વધ્યા હોવાનું માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો વધ્યા તેના પરથી જણાઇ રહ્યું છે. આજે માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો દૂર કરવા સામે ઉમેરાયેલાં વિસ્તારોની સંખ્યા વધુ છે. આજે આઠ વિસ્તારો માઇક્રો કન્ટેમેન્ટમાંથી દૂર કરાયાં છે. તેની સામે 12 વિસ્તારો ઉમેરાયા છે. નવા ઉમેરાયેલા વિસ્તારોમાં સૌથી વધુ દક્ષિણ ઝોનના ચાર તથા દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના ત્રણ ત્રણ સ્થળો મૂકાયાં છે. આ ઉપરાંત પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ઝોનના એક એક સ્થળનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 151 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી રોજની માફક વિસ્તૃત ચર્ચા વિચારણાંના અંતે 8 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 12 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 151 વિસ્તારોમાંથી 8 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 143 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 12 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 155 પર પહોંચ્યો છે.

નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોનમાં ચાર, ઉત્તર પશ્ચિમ ઝોન તથા પશ્ચિમ ઝોનના ત્રણ ત્રણ તથા પૂર્વ તેમ જ ઉત્તર પશ્ચિમ ઝોનના એક એક વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં વટવા, મણિનગર, ઇસનપુર ઉપરાંત જોધપુર, વેજલપુર, ગોતા, ચાંદખેડા તથા સાબરમતી વિસ્તારોનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 10મી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.

(5:06 pm IST)