ગુજરાત
News of Wednesday, 16th September 2020

RTEની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં પારાવાર ધાંધીયાની રાવ : અમદાવાદમાં જ 300 ફરિયાદ

નામ અને અટક લખવાથી માંડીને જન્મ તારીખ જેવી ભૂલોની ફરિયાદો ઉઠી

અમદાવાદ : કોરોનાના સંક્રમણના કારણે ઓફલાઈનની જગ્યાએ ઓનલાઇન ફોર્મ ભરાવી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે  આ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં પારાવાર ધાંધીયાની રાવ ઉઠી છે  જે પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાયા છે તેમા જ હવે ગરબડ ગોટાળા બહાર આવી રહ્યા છે. જે ફૉર્મ ભરાયા હતા તેમાં નામ અને અટક લખવાથી માંડીને જન્મ તારીખ જેવી ભૂલોની ફરિયાદો ઉઠી જ છે સાથે શાળાઓ એડમીશન માટે ફી માંગતી હોવાની ફરિયાદ પણ ઉઠી છે. જેને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ એડમિશન માટે કડક વલણ અપનાવ્યું છે.

કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર થઈ જતા જે પ્રવેશ પ્રક્રિયા ફેબ્રુઆરીમાં થઈ જવી જોઈતી હતી તે હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં હાથ ધરવામાં આવી છે. પણ એવું કહેવાય છે કે ઉતાવળે કામ બગડે એવું જ કંઈક RTEની પ્રવેશ પ્રક્રિયામાં થઇ રહ્યું છે. એના કારણે રોજ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને 300 જેટલી ફરિયાદ મળી રહી છે. સ્વાભાવિક છે કે દર વર્ષે જે RTEના ફોર્મ રિસિવિગ સેન્ટર પર ઓફ લાઈન સ્વીકારવામાં આવતા હતા પણ આ વખતે સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન થઈ છે. જેના કારણે ગરીબ લોકો જેઓ પાસે સ્માર્ટ ફોન નથી તેવા લોકોએ ફોર્મ સાયબર કાફેમાં જઈને ભરવા પડ્યા છે અને સાયબર કાફેના સંચાલકે જે ફોર્મ ભરવામાં ભૂલ કરી તે હાલ પ્રવેશ પ્રક્રિયામાં સામે આવી રહી છે. વાલીઓ પોતાના બાળકના એડમિશન માટે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે ચક્કર કાઢવા મજબુર બન્યા છે.

(11:51 pm IST)