ગુજરાત
News of Wednesday, 16th September 2020

સુરતમાં બેન્કનું આખે આખું એટીએમ મશીન ઊપાડી ગયા

સુરતમાં તસ્કરો બેફામ બન્યા : સીસીટીવી ફૂટેજમાં ૩ વ્યક્તિ મોઢા પર બુકાની બાંધેલી દેખાય છે, પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

સુરત,તા.૧૬ : સુરતના ટકારમા ગામમાં તસ્કરો આખેઆખુ એટીએમ મશીન કાઢીને લઇ ગયા છે. ટકારમા ગામમાં સુરત ડિસ્ટ્રિક બેક્નનું  આખેઆખુ એટીએમ મશીન તસ્કરો લઇ ગયા છે. આ એટીએમ મશીનમાં ૭ લાખ રૂપિયા હતા. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. આ સીસીટીવી ફૂટેજમાં ત્રણ વ્યક્તિઓ મોઢા પર બુકાની બાંધેસલા દેખાય છે. હાલ કિમ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ ફરાર ચોરોને સીસીટીવીનાં આધારે પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઓલપાડનાં ટકારમા ગામમાં ત્રણ તસ્કરો સુરત ડિસ્ટ્રિક્ટનું આખુ એટીએમ મશીન દીવાલમાંથી કાઢીને લઇ ગયા છે. આ એટીએમની અંદરની પ્લેટો ગામ પાસે આવેલી નહેર નજીકથી મળી આવી છે. એટીએમ સેન્ટરથી ૫૦ મીટર દૂર પોલીસ તપાસ દરમ્યાન મશીન મળી આવ્યું હતું. તેમજ એટીએમ મશીનના પૈસાની ટ્રે થોડે દૂર કેનાલ પાસેથી મળી આવી છે.

            આ એટીએમમાં આશરે ૭ લાખ રૂપિયા રોકડા હોવાની માહિતી બેંક પાસેથી મળી રહી છે. હાલ કિમ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને ફરાર ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસ પાસે આ ચોરીનાં સીસીટીવી ફૂટેજ છે. જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ ગામ લોકોમાં પણ આ અંગેની ઘણી જ ચર્ચાઓ તચાલી રહી છે. નોંધનીય છે કે, સુરતના પાંડેસરા, ઉધના અને લિંબાયત વિસ્તારમાં સક્રિય એક્સીસ બેંકના એટીએમ સેન્ટરમાંથી એટીએમ કાર્ડ રીડર ચોરી કરતી ટોળકીએ વધુ એક એટીએમ સેન્ટરને નિશાન બનાવ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં ૬થી વધુ એટીએમ સેન્ટરને નિશાન બનાવનાર ટોળકીએ પાંડેસરા સ્થિત શ્યામ હોસ્પિટલની સામે દેવીદર્શન સોસાયટીમાં શેરી નં. ૪ માં પ્લોટ નં. ૧૫૨માં આવેલી એટીએમ સેન્ટરમાં એટીએમ કાર્ડ રીડર કિંમત ૨૫ હજારની મત્તાનું ચોરીને ફરાર થઇ ગયા હતા.

(7:20 pm IST)