ગુજરાત
News of Sunday, 17th January 2021

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બિલ્ડર મોતી દેસાઈ હત્યા કેસમાં આરોપીના જામીન મંજૂર કરતી અમદાવાદ સેશન્સ કોર્ટ

અમદાવાદ: વર્ષ 2016 અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી કમેશ્વરી પાર્ક સોસાયટીમાં કરવામાં આવેલી બિલ્ડર મોતી દેસાઈની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીના અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટે આરોપીને કેસની કાર્યવાહી સિવાય અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રવેશ ન કરવાનો હુકમ કર્યો છે.

અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી- પ્રતીક દેસાઈની જામીન અરજી મંજુર કરતા નોંધ્યું હતું કે બનાવના સમયે અરજદાર -આરોપીની હાજરી નથી અને તેના પાસેથી મળી આવેલી તલવાર પર પણ કોઈ લોહી ડાઘા મળી આવ્યા નથી. મરણ જનારને જે ઇજાઓ થઈ છે એ તલવારથી થઈ શકે નહીં તેવું ડોકટરોનું સ્પષ્ટ રીતે કહેવું છે. આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે, જેથી કોર્ટે આરોપીને 30 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે.

અરજદાર આરોપી વતી એડવોકેટ જુનેદ બુલા તરફે કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે બનાવના સ્થળની જગ્યાના વિડીયોગ્રાહીમાં આરોપી ક્યાંય પણ મળી આવતા નથી. ઉલટા આ સમયગાળા દરમીયાન અરજદાર પોતાના વતને હોવાની રજુઆત કરી હતી. મૃતકના માથે યુ આકરની ઈજા થયેલી હતી જે ડોક્ટરોના પ્રમાણે તલવારથી થઈ શકે નહિ. આ કેસમાં તપાસ પણ પૂર્ણ થઈ ચૂકી ચર અને ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ હોવાથી આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે.

આ દલીલની સામે સરકારી વકીલ તરફે રજુઆત કરવામાં આવી હતી કે આરોપી પાસેથી તલવાર રિકવર થઈ છે. નજરે જોનાર સાહેદોએ બનાવના સમયે આરોપીના હાથમાં તલવાર જોઈ હતી. આરોપી લાંબા સમયથી ફરાર હોવાથી જો જામીન પર મુક્ત કરવામાં આવે તો કેસની ટ્રાયલ દરમિયાન હાજર ન રહે તેવી શકયતા છે. જેથી આરોપીના જામીન ફગાવી દેવા જોઈએ.આ સમગ્ર કેસની વિગત એવી છે કે, 17મી નવેમ્બર 2016ના રોજ અમદાવાદના 1.45 વાગ્યે તલવાર, ધારી અને અન્ય હથિયારોની મદદથી કેટલાક આરોપીઓ દ્વારા મોતી દેસાઈની હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક મોતી દેસાઈ અને આરોપીઓ વચ્ચે ઘણા સમયથી જમીન લે વેચ મુદ્દે વાદ-વિવાદ ચાલતો હતો.

(3:15 pm IST)