ગુજરાત
News of Wednesday, 16th September 2020

અમદાવાદ જિલ્લાના દેત્રોજ ગામે લોકડાઉન દરમ્‍યાન ક્રિકેટ રમવા અંગે થયેલ તકરારમાં ઘાતક હથીયાર સાથે હુમલો કરી એકનું મોત નિપજાવનાર આઠ આરોપીના શરતી જામીન મંજુર : પાસપોર્ટ જમા કરાવવા સહિતની આકરી શરતો સાથે જામીન

અમદાવાદઃ જિલ્લાના દેત્રોજ ગામે લોકડાઉન દરમ્‍યાન ક્રિકેટ રમવા અંગે થયેલ તકરારમાં ઘાતક હથીયાર સાથે હુમલો કરી એકનું મોત નિપજાવનાર આઠ આરોપીના શરતી જામીન મંજુર કરાયા છે. પાસપોર્ટ જમા કરાવવા સહિતની આકરી શરતો સાથે જામીન મંજુર કરાયા છે.

આ અંગેની વિગતો જોઇએ તો વિરમગામ સેશન્સ કોર્ટના ત્રીજા એડિશનલ જજ હર્ષ ત્રિવેદીએ આઠ આરોપીઓને શરતી જામીન પર મુકત કરવાનો મહત્વનો હુકમ જારી કર્યો છે. જો કે, અદાલતે આઠેય આરોપીઓને અદાલતની પરવાનગી વિના રાજયની હદ છોડવી નહી,

              અદાલત દ્વારા શરતી જામીન પર મુકત કરાયેલા આરોપીઓમાં સુરેશસિંહ વનરાજસિંહ સોલંકી, ચંદ્રસિંહ અનિરૂધ્ધસિંહ સોલંકી, લાલસિંહ જાલમસિંહ સોલંકી, વિશ્વજીતસિંહ સિધ્ધરાજસિંહ સોલંકી, અનિરૂધ્ધસિંહ જાલમસિંહ સોલંકી, ઇશ્વરસિંહ જાલમસિંહ સોલંકી, દેવેન્દ્રસિંહ ઇશ્વરસિંહ સોલંકી અને વનરાજસિંહ જાલમસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. અરજદાર આરોપીઓ તરફથી એડવોકેટ પ્રતિક કે.નાયક અને હિતેન્દ્રસિંહ ચાવડાએ મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, ગત તા.10-5-2020ના રોજ દેત્રોજ ગામે ફરિયાદી દેવેન્દ્રસિંહ જગદીશસિંહ સોલંકી તથા અન્યો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે અરજદારો પણ ત્યાં પહોંચ્યા હતા અને તેઓને પણ ક્રિકેટ રમવા દેવા માંગણી કરી હતી. જો કે, ફરિયાદી તથા અન્યોએ આરોપીઓને ક્રિકેટ રમાડવાનો ઇન્કાર કર્યો હતો, જે બાબતની અદાવત રાખી બીજા દિવસે તા.11-5-2020ના રોજ આરોપી અનિરૂધ્ધસિંહ જાલમસિંહ સોલંકી સહિતના આરોપીઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા અને ફરિયાદીપક્ષ સાથે તકરાર કરી હતી. ફરિયાદપક્ષના આક્ષેપ મુજબ, આરોપીઓએ તલવાર, ધારિયા, ભાલા સહિતના હથિયારો સાથે ફરિયાદી અને તેમના સાથી મિત્રો પર ઘાતક અને જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં અનિરૂધ્ધસિંહ નામના 25 વર્ષીય યુવકનું મોત નીપજયુ હતુ,

જયારે ફરિયાદી દેવેન્દ્રસિંહ સોલંકી અને કિર્તીસિંહ જગદીશસિંહ સોલંકીને ઇજા થઇ હતી. આરોપીઓના હુમલામાં કિર્તીસિંહ જે આઇ વીટનેસ છે, તે ઘાયલ થયો હતો. આરોપીઓ તરફથી એડવોકેટ પ્રતિક કે.નાયક અને હિતેન્દ્રસિંહ ચાવડાએ કોર્ટનું ખાસ ધ્યાન દોર્યું કે, પ્રસ્તુત કેસમાં, આઇ વીટનેસ ફરિયાદી અને ઇજાગ્રસ્તનું નિવેદન 20 દિવસ પછીનું છે, પરંતુ બંનેની સ્ટોરી તેમાં સરખી જ આવે છે. એટલે કે, ફરિયાદી અને વીટનેસ એકબીજાની વાતને પકડી રાખે તે સ્વાભાવિક સાબિત થાય છે કે, પોલીસ સમક્ષ કહેવાની આખી સ્ટોરી ગોઠવી રાખેલી છે. આરોપીઓ સામે કોઇ ગુનો અગાઉ નોંધાયો નથી.

વળી, આ કેસમાં તપાસનીશ અધિકારી દ્વારા ચાર્જશીટ ફાઇલ થઇ ગયુ છે અને હવે જયુડીશીયલ કસ્ટડી કે તપાસની જરૂર નથી. સૌથી મહત્વનું કે, મરનાર અને ઇજાગ્રસ્તને પ્રાઇવેટ કાર અને 108માં લઇ ગયા હોવાનું ફરિયાદપક્ષ જણાવે છે પરંતુ પોલીસે પ્રાઇવેટ કારવાળાનું કે 108ના ડ્રાઇવરનું કોઇ સ્ટેટમેન્ટ જ લીધુ નથી. વળી, ક્રિકેટ રમવા જેવી બાબતમાં બોલાચાલી કે, ઝઘડો થાય પરંતુ મર્ડર ના થાય. વાસ્તવમાં મર્ડરની આખી સ્ટોરી ઉપજાવી કાઢેલી છે, આમ, આરોપીઓને કોર્ટે ન્યાયના હિતમાં આરોપીઓને શરતી જામીન પર મુકત કરવા જોઇએ. આરોપીપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી વિરમગામ સેશન્સ કોર્ટે ઉપરોકત તમામ આઠેય આરોપીઓને શરતી જામીન પર મુકત કરવાનો મહત્વનો આદેશ જારી કર્યો હતો.

(10:46 pm IST)