ગુજરાત
News of Thursday, 17th September 2020

મોદીના જન્મ દિવસે નર્મદાના નીરના ઇ-વધામણા સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઇ ગયો

'કચ્છ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠાનાં છેવાડાના ગામો સુધી ૭૦૦ કિમી દૂર સુધીમાં નર્મદાના પાણીને પહોંચાડીને આપણે ગુજરાતની જનતાને તૃપ્ત કરી શકયા છીએ' વિજયભાઇ રૂપાણી

મુંબઇ, તા.૧૭: ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઇ ગયો છે. આજે રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાના નીરના વધામણા કર્યા છે. નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમનાં ત્રણ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ નર્મદા ડેમને છલોછલ ભરીને રાજય સરકારે PM મોદીને તેમના જન્મદિને ભેટ અપી છે. સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની ઓફિસેમાંથી નર્મદા મૈયાનું ઇ-પૂજન કર્યું છે. આ સાથે નર્મદા બંધ પર નર્મદા નિગમ દ્વારા વિશેષ પૂજા અને નર્મદા બંધના વધામણા કરવામાં આવ્યા છે.

નર્મદા મૈયાનું ઇ-પૂજન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતનાં લાડીલા પીએમ મોદીને જન્મદિનની શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઇનું સપનું હતુ કે નર્મદા નદી પર ડેમ બને અને લોકોને પીવાનું પાણી, સિંચાઇ, પશુપંખી માટે પાણી, ખેતી માટે પાણી મળે તે માટે, નર્મદા ગુજરાતની જીવાદોરી છે અને આની પર ડેમ ઝડપથી બનવો જોઇ. પરંતુ જયારે નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા અને એમને આ બીડુ ઝડપ્યું જરૂર પડ્યે ઉપવાસ આંદોલન પણ કર્યા. સાત વર્ષ સુધી યુપીએની સરકારે ડેમના દરવાજા પણ ચઢાવવાની પણ મંજૂરી આપી ન હતી. સદનસીબે નરેનદ્રભાઇ વડાપ્રધાન બન્યા અને ડેમનાં દરવાજા ચઢાવવાની અને બંધ કરવાની મંજૂરી આપી. ગયે વર્ષે આપણે પણ ડેમને છલોછલ ભરવાની મંજૂરી આપી હતી. જેના ફળસ્વરૂપે કચ્છ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠાનાં છેવાડાના ગામો સુધી ૭૦૦ કિમી દૂર સુધી મા નર્મદાના પાણીને પહોંચાડીને આપણે ગુજરાતની જનતાને તૃપ્ત કરી શકયા છે. આજે ફરી વખત ૩૩૮ મીટરથી છલોછલ ડેમ ભરાયો છે.

આગામી બે વર્ષ સુધી આ પાણી ગુજરાતના હરળફાળ વિકાસને આગળ ધપાવશે. જળ વગર જીવન નહીં અને પાણી વગર વિકાસ નહીં. ગુજરાતનાં વિકાસ માટે આ જીવાદોરી સાહિત થશે. મા નર્મદમાના આશીર્વાદ ગુજરાતને કાયમ મળતા રહેશે. આજના દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે નરેન્દ્રભાઇને દ્યણી શકિત આપે. દીર્દ્યાયુ આપે, મા ભારતી જગતજનની મળે અને ચારેય દિશાઓમાં ભારત માતાના વિજય પટાકા રેલાય. નરેન્દ્રભાઇનાં નેતૃત્વમાં ભારત મહાસત્ત્।ા બનશે એવી આપણને સહુને શ્રદ્ઘા છે. નર્મદા સર્વ દે તે ખરા અર્થમાં સાકાર થશે.

'ગયા વર્ષે પહેલીવાર ડેમ છલોછલ ભરાતા પીએમ મોદીએ વધામણા કર્યા હતા'

નોંધનીય છે કે, ગત વર્ષે ૨૦૧૯માં PM નરેન્દ્રભાઇ મોદીએ તેમના જન્મદિવસે ૧૭ સપ્ટેમ્બરે જ નર્મદાના નીરની પૂજા કરી હતી અને નર્મદા ડેમ છલોછલ ભરાઇ જતા વધામણા કર્યાં હતા.

ત્યારબાદ પીએમ મોદીએ જંગલ સફારી ટુરિસ્ટ પાર્ક, ખાલવણી ઈકો ટુરિઝમ સાઈટ, કેકટસ ગાર્ડન, સરદાર સરોવર ડેમ સાઈટ, બટર ફલાય ગાર્ડન અને એકતા નર્સરીમાં ઈકો ફેન્ડલી પ્રોડકટના પ્રોડકશન સ્થળની મુલાકાત લીધી હતી. મોદી જન્મદિવસે અડધો દિવસ નર્મદા ડેમ સાઈટ પર રહ્યા હતા.

(3:37 pm IST)