ગુજરાત
News of Thursday, 17th September 2020

2 મહિનામાં અમદાવાદ-સુરતના એમબીબીએસના 34થી વધુ વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા

અમદાવાદ: કોરોના કોઈને છોડતો નથી, નાનો માણસ હોય કે મોટો... આવામાં તો ખુદ સારવાર કરનારા તબીબો જ સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. ખાસ કરીને એ વિદ્યાર્થીઓ, જેઓએ માંડ તબીબી અભ્યાસમાં પગ મૂક્યો છે તેઓને પણ કોરોનાનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ તેઓને કોરોના વોરિયર બનવાની મોટી તક અને અનુભવ મળી રહ્યો છે, તો બીજી તરફ એ જ વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ગુજરાતભરમાં MBBS નો અભ્યાસ કરતા 34 વિદ્યાર્થીઓ છેલ્લા બે મહિનામાં કોરોનાગ્રસ્ત થયા છે.

અનેક વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

સરકાર દ્વારા MBBS નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ કોરોનાની ડ્યુટી સોંપવામાં આવી છે. જેઓ ખુદ સંક્રમિત થઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ NHL મેડિકલ કોલેજના 15, એલજી મેડિકલ કોલેજના 14 વિદ્યાર્થીઓ કોરોનાના શિકાર બન્યા છે. સુરતની સ્મીમેર કોલેજના 3, સુરત સરકારી મેડિકલ કોલેજના 2 વિદ્યાર્થીઓ પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે.

કોરોનાનો શિકાર થનારા મોટાભાગના MBBS ના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. કોરોનાના વધતા કેસ અને સ્ટાફની અછતને પહોંચી વળવા સરકાર તરફથી MBBS નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મદદ લેવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા અનેક ડોક્ટરો બાદ હવે વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે.

(4:28 pm IST)