ગુજરાત
News of Thursday, 17th September 2020

સુરત કોર્પોરેશને કોરોના મહારારીમાં ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં ગરબા માટેના ટેન્‍ડર બહાર પાડતા ભારે રોષ

સુરત: ગુજરાતમાં નવરાત્રિ યોજવી જોઈએ કે નહિ તે અંગે અસમંજસ છે. સરકારે હજી નિર્ણય લીધો નથી, અને નવરાત્રિ યોજવા અંગે પરમિશન આપી નથી. આવામા સુરતમાં ચોંકાવનારુ ચિત્ર સામે આવ્યું છે. ગુજરાતમાં નવરાત્રિ અંગે અસમંજસ  વચ્ચે સુરત મનપાએ પોતાના બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં ગરબા યોજવા ટેન્ડર પાડવામાં આવ્યા છે. મનપાએ ટેન્ડર બહાર પાડતા લોકોમાં કૂતૂહલતા સર્જાઈ છે. એક તરફ નવરાત્રિ ન યોજવા લોકોમાં અપીલ થઇ રહી છે, તો બીજી તરફ સુરત મનપા દ્વારા ટેન્ડર બહાર પડાયા છે.

સુરત શહેરમાં ઈન્ડોર સ્ટેડિયમમાં ગરબા રમવા અંગે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડર અંગે પૂછતા મનપાના અધિકારીઓ પોતાનો લૂલ્લો બચાવ કરવામાં આવ્યો હતો. તેઓએ કહ્યું કે, જો સરકાર પરવાનગી આપે, ત્યારે છેલ્લા સમયે દોડાદોડ ન થાય તે માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરાઇ છે.

સુરતમાં કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં જ્યાં રોજ 1000 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, તો સુરતમાં પણ રોજના 150 થી વધુ કેસ થઈ રહ્યાં છે. પરંતુ સુરત પાલિકા દ્વારા જે રીતે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, તે જોતા મનપાના અધિકારીઓ કોરોનાને લઈને ગંભીર નથી તેવું સ્પષ્ટ દેખાય છે. જોકે, વિવાદ બહાર આવતા ટેન્ડર પ્રક્રિયા રદ કરી દેવામાં આવી હતી. પરંતુ શું સુરત મહાનગરપાલિકા કોરોના પ્રત્યે ગંભીર હોવાનું લાગતુ જ નથી. નહિ તો આ રીતે ટેન્ડર બહાર પાડવાની કામગીરી ન કરે.

(4:30 pm IST)