ગુજરાત
News of Thursday, 17th September 2020

સુરતના વેસુ વીઆઈપી રોડ નજીક દહેજના ભૂખ્યા સાસરિયાએ પરિણીતા પાસે માંગણી કરી ત્રાસ ગુજારતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના વેસુ વીઆઇપી રોડ સ્થિત હોરાઇઝન એપાર્ટમેન્ટમાં રહેતી એમબીએ યુવતી શીખા નિલેશ ગુપ્તા (ઉ.વ. 28) દોઢ વર્ષ અગાઉ સોશીયલ મિડીયા સ્નેપચેટ પર સી. એ પ્રતીક ચંપાલાલ અગ્રવાલ (ઉ.વ. 28 રહે. એ 5, આસ્થા એપાર્ટમેન્ટ, ઉધના-મગદલ્લા રોડ) ના સંર્પકમાં આવ્યા બાદ પરિવારની સમંતિથી લગ્ન કર્યા હતા. લગ્ન પૂર્વે સગાઇ ટાંણે પ્રતીકના પિતા અને માતા કાંતાબેને દહેજેમાં કારની માંગણી કરતા 8.50 લાખની કિંમતની કાર ખરીદી આપી હતી. 

લગ્ન ટાંણે વૈભવી સમારંભ રાખવાની માંગણી કરતા શિખાની ખુશી માટે તેના માતા-પિતાએ સાપુતારાની સનોટલ હોટલમાં તા. 25 જુન 2019ના રોજ લગ્ન સમારંભ રાખ્યો હતો અને દહેજમાં રોકડા 21 લાખ અને 25 લાખના દાગીના આપ્યા હતા. પરંતુ તેમ છતા પણ દહેજ લાલચુ પતિ અને સાસરીયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું.

શીખાને તેના સાસુ-સસરાએ તું અમારી પસંદ નથી, તારા પતિએ તને પસંદ કરી છે, તું અમારા ઘરમાં નહીં ચાલશે, ઘરકામ આવડતું નથી, તું અમારા પગની ચંપલ બરાબર છે એમ કહી ચારિત્ર્ય અંગે શંકા વ્યક્ત કરી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. બીજી તરફ પતિ પ્રતીક પણ દારૂના નશામાં શીખાને માર મારી ઘર ખરીદવા રોકડા રૂા. 50 લાખની માંગણી શરૂ કરી માર મારી ઘરમાંથી કાઢી મુકી હતી અને પ્રતીક પરિવાર સાથે દહેજનો તમામ સરસામન લઇ અજ્ઞાત સ્થળે રહેવા ચાલ્યો જતા છેવટે શીખાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

(5:11 pm IST)