ગુજરાત
News of Thursday, 17th September 2020

ગાંધીનગર તાલુકાના સરઢવમાં બિનઅધિકૃત કોમ્પ્લેક્ષ બનાવી દેવામાં આવતા તંત્રદ્વારા નોટિસ ફટકારવામાં આવી

ગાંધીનગર:સરઢવમાં વર્ષ ૨૦૧૧માં ગૌચરની જમીન ઉપર શોપીંગ કોમ્પ્લેક્ષ ઉભું કરી દેવામાં આવ્યું હતું. જેનો વિવાદ છેલ્લા ઘણા વખતથી ચાલતો હતો. ઉચ્ચકક્ષાએથી દબાણ આવતાં વારંવાર અધિકારીઓએ નોટિસ પણ આપી હતી. ત્યારે આખરે આજે વિવાદાસ્પદ બિન અધિકૃત કોમ્પ્લેક્ષને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું.

ગાંધીનગર તાાલુકાના સરઢવ ગામમાં ગૌચર સર્વે નં.૮૫૩ તથા ૧૬૩૭ એમ બંને નંબરમાં ૧૮ અને ૨૪ મળીને કુલ ૪૨ દુકાનો બિનઅધિકૃત કોમ્પ્લેક્ષ બનાવી દેવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૧માં જ્યારે આ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યંુ હતું. ત્યારબાદ વહિવટી તંત્ર દ્વારા વારંવાર નોટિસો આપવામાં આવી હતી તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા આ ૪૨ દુકાનોનું શોપીંગ સેન્ટર તોડવામાં આવતું ન હતું.

તો બીજી બાજુ ગામમાં રાજકીય હુંસાતુંસીના કારણે આ બિનઅધિકૃત દબાણનો વિવાદ વકર્યો હતો જેને લઇને મામલો સચિવાલય સુધી પહોંચ્યો હતો. ત્યાંથી આ દબાણ તોડવા માટે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ઉપર દબાણ આવ્યું હતું.

(5:13 pm IST)