ગુજરાત
News of Sunday, 18th October 2020

હવે દુબઇ જનાર ભારતીયો પાસે બે હજાર દિરહામ હશે તો જ પ્રવેશ: નહીંતર ડિપોર્ટ

અમલી કરાયેલા નવા નિયમ બાદ ભારતીય મુસાફરોમાં ડિપોર્ટ થવાની સંખ્યા વધી

અમદાવાદ: કોરોનાની મહામારી વચ્ચે તાજેતરમાં દુબઇ ઓથોરિટીએ બે હજાર દિરહામ ફરજિયાત સાથે રાખવાના અમલી કરાયેલા નવા નિયમનો લઇ ભારતીય મુસાફરોમાં ડિપોર્ટ થવાની સંખ્યા વધી રહી છે. જેના કારણે અનેક ગુજરાતીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

દુબઇ ઓથોરિટીએ તાકીદે લાગુ કરેલા નવા નિયમમાં હવે ભારત દેશના કોઇપણ ખુણામાંથી દુબઇ જનાર મુસાફર પોતાની પાસે બે હજાર દિરહામ કેશ સાથે રાખશે તો ઇમિગ્રેશન વિભાગ તેમને ક્લીયર કરશે નહીંતર તેમને ભારત પરત આવવુ પડશે. દુબઇની લોકલ કરન્સી સાથે રાખવાના નવા નિમયને લઇ જે ભારતીય મુસાફરોને માલુમ નથી તેઓ પરત પોતાના વતન ફરી રહ્યા છે જેની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.

સુત્રોના જણાવ્યા મુજબ નવા લાગુ કરેલા નિયમને લઇ ઘણાય મુસાફરો પહોંચી ગયા છે જેમની પાસે બે હજાર દિરહામ નથી તો તેવા 100થી વધુ મુસાફરો પરત આવી ગયા છે. જેમાં અમદાવાદ અને મુંબઇ એરપોર્ટનો સમાવેશ થાય છે. સૌથી વધુ રાજસ્થાનમાં વસતા મુસાફરોની છે. આમ કોરોનામાં ચાલી રહેલી મહામંદીને પગલે ધંધા-રોજગાર હોવાથી આર્થિક તંગીની અસર વર્તાઇ રહી છે. આવામાં બે હજાર રોકડ દિરહામ સાથે હોય તો ડિપોર્ટ થવાથી એરલાઇનની ઉંચા ફેરમાં લીધેલી ટિકિટ માથે પડે છે. નવેસરથી બીજા પૈસા ખર્ચીને ટિકિટ ઇસ્યુ કરવાની નોબત આવે છે.

ડિપોર્ટ થનાર મુસાફરો જણાવી રહ્યા છે કે 'દુબઇમાં ઘણી જગ્યાએ ભારતીય ચલણ પણ માન્ય હોવાથી મુસાફરો લઇને જતા હોય છે. અથવા તો ત્યાં ભારતીય કરન્સી બદલાવીને દિરહામ લેતા હોય છે. બીજું કે કેટલાક મુસાફરો દુબઇ જાય ત્યારે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કાર્ડથી પેમેન્ટ કરતા હોય છે પરંતુ દુબઇ ઓથોરિટીએ પોતાના અર્થતંત્રને મજબુત કરવા અને ચલણ ફરતુ રહે તે માટે ભારતીય મુસાફરોને દિરહામ ફરજિયાત સાથે રાખવાનો નિયમ લાગુ કર્યો છે. જો રોકડ દિરહામ પોતાની પાસે હશે તો મુસાફરો ખર્ચ અવશ્ય કરશે તેવા આગ્રહથી પણ ઓથોરિટીએ નવીન વિચાર શૈલીથી પણ નિયમ લાગુ કર્યો હોય નવાઇ નહી. '

(11:33 pm IST)