ગુજરાત
News of Sunday, 18th October 2020

ઉદ્ઘાટનમાં માસ્ક વિના પહોંચેલા સાંસદની તસવીરો વાયરલ થઈ

કોરોનાની ગાઇડલાઈનનો ભંગ ખુદ નેતાઓ કરે છે : ભાજપ-કોંગ્રેસના નેતાઓ નિયમોનું એવી રીતે ઉલ્લંઘન કરે છે જાણે તેમને કે તેમના પરિવારને કોરોના થશે નહીં

અમદાવાદ,તા.૧૮ ; કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ ખુદ નેતાઓ જ કરી રહ્યા છે. સામાન્ય વ્યક્તિ માસ્ક વગર બહાર નીકળે તે તેની પાસેથી મસમોટા દંડ વસૂલાય છે, પણ નેતાઓ ગમે તેવી છટકબારી શોધી લે છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીની માસ્ક વગર ફરી રહ્યા હોય તેવી તસવીરો વાયરલ થઈ છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા આરોગ્ય તંત્ર ભલે ગમે તેવી મથામણ કરતું હોય પણ રાજકીય નેતાઓએ નક્કી કર્યું છે કે, અમે તો અમારું મનનું ધાર્યું જ કરીશુ. ભાજપના નેતા હોય કે  કોંગ્રેસના નેતાઓ કોવિડ ૧૯ના નિયમોનું એવી રીતે ઉલ્લંઘન કરે છે જાણે તેમને કે તેમના પરિવારને કોરોના થશે જ નહીં. ઉલટાનું પ્રજાના પ્રતિનિધિઓએ નિયમોનું પાલન કરીને સમાજ માં મેસેજ આપવાનો હોય. કોરોનાના આ કાળ દરમિયાન ઘણા નેતાઓની નિયમો ભંગ કરતી  તસવીરો વાયરલ થઈ છે અને તેમાં વધુ એક નેતાની તસવીર વાઇરલ થઈ છે અને તે છે અમદાવાદના સાંસદ કિરીટ સોલંકી. શનિવારે અમરાઈવાડી વિસ્તારમાં એક એડવોકેટ અને નોટરીની ઓફિસનું ઉદ્ઘાટન કરવા સાંસદ કિરીટ સોલંકી પહોંચ્યા હતા.

             જોકે ઉદ્ઘાટન સમયની જે તસવીરો સામે આવી છે તેમા દેખાઈ રહેલા સૌ કોઈ એ માસ્ક પહેર્યું છે. પરંતુ સાંસદ કિરીટભાઈ માસ્ક વગર દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોમાં સોશિયલ ડિસ્ટનસનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આવી જ રીતે નરોડા વિસ્તારમાં એક વાસ્તુ પૂજનના કાર્યક્રમમાં પણ સાંસદ ગયા હતા પરંતુ ત્યાં પણ તેમણે માસ્ક નહિ પહેરી નિયમોનો ભંગ કર્યો હતો. સામાન્ય માણસ જો વહિકલ લઈને નીકળે કે કોઈ સામાન્ય વેપારી પોતાની દુકાનમાં એકલો બેઠો હોય અને માસ્ક ના પહેર્યું હોય તો તંત્રના અધિકારીઓ મસમોટો દંડ વસુલતા હોય છે. તો પછી આવા નેતાઓ સામે કેમ કોઈ દંડ વસૂલવામાં આવતો નથી. મહત્વનું છે કે, સાંસદ કિરીટ સોલંકી પોતે વ્યવસાયે ડોકટર છે એટલે કે કોરોના વોરિયર્સ છે અને ડોક્ટરની સમાજ પ્રત્યે જવાબદારી બને છે કે સમાજમાં નિયમોનું પાલન કરાવવુ. પરંતુ અહીં તસવીરો જોતા કોરોના વોરિયર્સ જ નિયમો તોડી રહ્યા છે.

(7:25 pm IST)