ગુજરાત
News of Sunday, 18th October 2020

અમદાવાદમાં કોરોના કેસ ઘટ્યા: જોધપુર, થલતેજ અને ગોતાના વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયા

અમદાવાદમાં દૂર કરાયેલાં 4 વિસ્તારો સામે 7 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા

અમદાવાદઃ ગુજરાતમાં આજે 1091 કોરોનાના કેસો નોંધાતાં ઘટાડો નોંધાયો છે. તે જ રીતે અમદાવાદ શહેરમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે 167 કેસો નોંધાયા છે. જયારે અમદાવાદ શહેરમાં આજે દૂર કરાયેલા વિસ્તારો કરતાં ઉમેરાયેલા વિસ્તારોની સંખ્યામાં પણ આજે સામાન્ય વધારો થયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં કોરોના કેસોનો પ્રભાવ વધુ જોવા મળ્યો છે.આજે 7 નવા વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયાં છે. આજે દૂર કરાયેલાં 4 વિસ્તારો સામે 7 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા છે. જેમાં ગોતા, થલતેજ, અને જોધપુર વિસ્તારનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 106 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 5 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે ગઇકાલ જેટલાં જ 7 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આમ 106 વિસ્તારોમાંથી 5 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 101 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 7 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 108 પર પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં સૈથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનના 3, દક્ષિણ પશ્ચિમ ઝોનના 2 વિસ્તારો રહેવા પામ્યા છે. જયારે દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં એક એક માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં મૂકાયા છે. જો કે સરવાળે જોઇએ તો આજે પશ્ચિમ વિસ્તારના વધુ વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે. જેમાં ગોતા, થલતેજ, જોધપુર તથા લાંભા તેમ જ સાબરમતી વિસ્તારનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 19મી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.

(10:02 pm IST)