ગુજરાત
News of Monday, 19th October 2020

અમદાવાદમાં માસ્‍કના નામે પોલીસ દ્વારા સોસાયટીઓમાં ઘુસીને ઓસરીમાં કામ કરતા કે મેદાનમાં ઉભેલા લોકો પાસેથી પણ ખોટી રીતે દંડ વસુલાતો હોવાની રાવ

અમદાવાદ: માસ્કના નામે કોર્પોરેશનના અધિકારીઓ તરફથી વેપારીઓ રંજાડવામાં આવતાં હોવાની ફરિયાદ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્રારા તાજેતરમાં જ મ્યુનિ. કમિશનર સમક્ષ ફરિયાદ કરી હતી. આ ફરિયાદને હજુ ગણતરીના દિવસો જ થયાં છે. ત્યાં તો પોલીસ દ્રારા સોસાયટીઓમાં ઘૂસીને મેદાનમાં ઊભેલાં કે પછી ઓસરીમાં કામ કરતાં લોકો પાસે પણ માસ્ક નહીં પહેરી હોવાના કારણસર ખોટી રીતે દંડ વસૂલ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યાં સુધી કે એક વ્યક્તિ તો પોતાના ઘરની ઓસરી ( ગેલેરી ) માં લાઇટની સીરીઝ લગાવતાં હતાં. તેમની પાસેથી પણ દંડનાં નામે 100 રૂપિયા વસૂલ્યાં હતાં. વળી પાછી રસીદ પણ આપી નહીં હોવાના આક્ષેપ કરતી ફરિયાદ શહેર પોલીસ કમિશનર સમક્ષ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના અસારવા બેઠક પાસે આવેલી મહાપ્રભુજી સોસાયટીના દરવાજાની અંદર સોસાયટીના કોમન પ્લોટમાં એક રહીશ ઊભો હતો. ત્યાં શાહીબાગ પોલીસ મથકની બોલેરો ગાડી સાથે પોલીસ સોસાયટીની અંદર ઘૂસી ગઇ હતી. ત્યાં ઊભેલા એક યુવક પાસેથી ASI એ.એસ.ચાવડાએ માસ્ક વગર ઊભા છો તેમ કહીને એપેડેમીક એકટ હેઠળ 1 હજાર રૂપિયાનો દંડ વસુલ્યો હતો. તેથી પણ વિશેષ ઘરના આંગણામાં આવેલી ઓસરીમા નવરાત્રિનાં કારણે લાઇટની સીરીઝ લગાવી રહેલાં એક યુવાન પાસેથી પણ 100 રૂપિયા લીધાં હતા. આ ઘટનાને લઇને સોસાયટીના રહીશોમાં પોલીસની કામગીરી સામે ભારોભાર આક્રોશ ફેલાયો છે.

આ અંગે અસારવા યુથ સર્કલના અગ્રણી સંજય પટેલે શહેર પોલીસ કમિશનરને મેઇલ કર્યો છે. તેમાં જણાવ્યું છે કે, કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. તે સરકારની ગાઇડલાઇન આવકારદાયક છે. પરંતુ માસ્ક પહેરવાના ઓથા હેઠળ નિર્દોષ નાગરિકોને રંજાડવાનું અને તેમની પાસેથી ખોટી રીતે દંડ વસૂલવાનું કાર્ય યોગ્ય નથી. મહાપ્રભુજી સોસાયટીના બે રહીશ પૈકી એક રહીશને 1 હજાર રૂપિયા દંડની રસીદ આપી હતી. જ્યારે 100 રૂપિયાની રસીદ માંગનારા યુવકને પોલીસે 100 રૂપિયાની પહોંચ ના હોય. 1 હજાર રૂપિયાનો દંડ હોય તો જ પહોંચ મળે. જેથી ભવિષ્યમાં ઘરમાં પણ માસ્ક પહેરવાની શાહીબાગ પોલીસ ફરજ પાડે નહીં તો નવાઇ નહીં તેવો પ્રશ્ન કર્યો છે.

વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, આ મહાપ્રભુજી સોસાયટીથી ફક્ત 100 મીટર દૂર જ અસારવા મ્યુનિ. શાળા નં. 5/6 આવેલી છે. આ શાળાની કોટની બાજુમાં જ દેશી દારૂનો અડ્ડો ધમધમે છે. ત્યાં કોઇ પણ જાતનું સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી કે કોઇએ માસ્ક પણ પહેરેલા હોતા નથી. તો શાહીબાગ પોલીસ સ્ટેશનના આ અધિકારીઓને તે દેખાતું નથી. અને નિર્દોષ નાગરિકોને રંજાડવામાં પોતાની બહાદુરી સમજતા આવા અધિકારીઓ સામે સખ્ત પગલાં ભરવા માંગણી કરી છે.

(4:56 pm IST)