ગુજરાત
News of Monday, 19th October 2020

ઘરના છોકરા ઘંટી ચાટે જેવો ઘાટ : કેવડિયા આસપાસના ગામોને જ નર્મદાનું પાણી સિંચાઈ માટે મળતું નથી : સંસદે કલેકટરને રજુઆત કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ચાલુ સિઝનમાં નર્મદા બંધ છલોછલ ભરાયો છે ત્યારે સરકાર દ્વારા એવો દાવો કરાઈ રહ્યો હતો કે ગુજરાતને બે વર્ષ સુધી પીવા અને સિંચાઈ માટે ચાલે તેટલું પાણી નર્મદા બંધમાં છે પરંતુ હાલ દિવા તળે અંધારા જેવી પરિસ્થિતિ ઉભી થઇ હોય એમ  કેવડિયા આસપાસના જ ખેડૂતો નર્મદાના પાણીથી વંચિત હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં કેવડિયા આસપાસના આમદલા,ઝરીયા સહિત 15 થી 20 ગામના ખેડૂતોને નર્મદા કેનાલ માંથી પાણી ન મળતું હોવાનું સામે આવ્યું છે જેથી તેમનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે

   ગામ લોકોએ માટે સાંસદ મનસુખભાઈ વાસવાને રજુઆત કરતા સંસદે આ બાબતે નર્મદા જિલ્લા કલેકટરને યોગ્ય કાર્યવાહી કરવા લેખિત રાજુઆત કરી છે.
 તેમણે જણાવ્યું છે કે કેવડીયા વિસ્તારના આમદલા ઝરિયા જેવા 15 થી 20 ગામના ખેડૂતોએ રૂબરૂમાં મને રજૂઆત કરી છે આ ગામના ખેડૂતો નર્મદા નહેરમાંથી સિંચાઈ આધારિત ખેતી કરે છે ચાલુ વર્ષે હમણાં દસ બાર દિવસ સુધી નર્મદા નહેરનું પાણી ખેતી સિંચાઈ માટે આપવામાં આવ્યું પરંતુ કોઈપણ જાણકારી કે નોટિસ આપ્યા વિના પાણી બંધ કરી દેવાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કેવડીયાની આજુ બાજુના ગામોના ખેડૂતો સાથે દર વર્ષે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે તે યોગ્ય નથી જેથી આપ જવાબદારોનું ધ્યાન દોરી તુરંત પાણી છોડવામાં આવે તે માટે યોગ્ય ઘટતું કરશો તેવી નર્મદા જિલ્લા કલેકટરને સાંસદ મનસુખભાઇએ રજુઆત કરી છે.

(10:17 pm IST)