ગુજરાત
News of Tuesday, 20th October 2020

નર્મદાના બંને કાંઠે કોંક્રીટની સંરક્ષણ દિવાલનું કામ શરૂ

૨૦ કરોડના અંદાજીત ખર્ચે નિર્માણ થશે : ગરુડેશ્વર દત્ત સંસ્થાન તથા તેની આજુ બાજુના વિસ્તારને નર્મદા નદીના ભારે પૂરથી સંરક્ષિત કરવા દિવાલ બનાવાશે

નર્મદા,તા.૨૦ : નર્મદા નદીના જમણી બાજુના કાંઠે ગરુડેશ્વર ખાતે શ્રી ગરુડેશ્વર દત્ત સંસ્થાન તથા તેની આજુ બાજુના વિસ્તારને નર્મદા નદીના ભારે પૂરથી સંરક્ષિત કરવા માટે સ્થાનિક લોકો તથા અનેક શ્રધ્ધાળુઓની રજૂઆતને ધ્યાને લઈ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે નદીના બન્ને કાંઠે મજબુત સંરક્ષણ દિવાલ બનાવવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગરુડેશ્વર ખાતે શ્રી દત્તમંદિરનું પૌરાણિક સ્થળ તથા શ્રી વાસુદેવાનંદ સરસ્વતીનું સમાધિ મંદિર આવેલું છે જ્યાંથી નીચે નર્મદા નદી સુધી જવા માટે પગથીયા તેમજ મહારાણી અહલ્યાબાઇ ઘાટ આવેલો છે.જે અનેક શ્રધ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર છે. જમણા કાંઠાના   વિસ્તારને નર્મદા નદીમાં પૂરને કારણે નુકશાનથી બચાવવા માટે તથા નદીના ડાબા કાંઠે આવેલ ઇન્દ્રવર્ણા ગામના કાંઠા વિસ્તારને નુકશાન થતું અટકાવવા માટે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી.

માનનીય મુખ્યમંત્રી દ્વારા લોકલાગણીને તથા આસ્થાને ધ્યાને લઈ કાંઠાના વિસ્તારોનું ધોવાણ થતું અટકાવવા માટે જરૂરી કાર્યવાહી માટે સૂચના આપવામાં આવેલ હતી. સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડ ધ્વારા નદી કાંઠા ઉપર કરવાની થતી કામગીરી તેના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ ના હોવા છતાં બન્ને તરફ ૭૬ મીટર લંબાઈમાં સંરક્ષણ દિવાલોનું કામ અંદાજીત રૂ. ૨૦ કરોડના ખર્ચે તાત્કાલિક હાથ ધરવામાં આવ્યું છે. ૨૭ થી ૩૨ મીટર ઉંચાઈ ધરાવતી એટલે કે થી ૧૧ માળના મકાન જેટલી ઉંચાઈ ધરાવતી કોંક્રીટની મહાકાય સંરક્ષણ દિવાલો બનવાથી જમણા કાંઠા પરના ગરુડેશ્વર દત્ત સંસ્થાન, સમાધિ સ્થળ તથા તેની આસપાસનો વિસ્તાર તેમજ ડાબા કાંઠે ઈન્દ્રવર્ણા ગામ કે જ્યાં નર્મદા પુરાણમાં જેનો ઉલ્લેખ છે એવા ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તેના નદી કાંઠા વિસ્તારને પૂરથી થતું નુકશાન અટકાવી શકાશે.

(8:44 pm IST)