ગુજરાત
News of Tuesday, 20th October 2020

અંકલેશ્વરની મહિલા ચિત્રકાર સ્મિતા શાહે કોરોના વોરિયર્સને કેનવાસ પર કંડાર્યા

માસ્ક પહેરવાની અપીલ સાથે સોશિયલ ડિસ્ટન્સનું મહત્ત્વ સમજાવ્યું

ભરૂચ :અંકલેશ્વરની મહિલા ચિત્રકારે ચિત્રકળાના માધ્યમથી કોરોના મહામારી અંગે ચિત્રો કેનવાસ પર કંડાર્યા છે. ૧૨૦૦ વર્ષ જૂની વારલી ચિત્રકળાની પરંપરા હવે ધીરે ધીરે વિસરાઈ રહી છે, જે કળાને નોખી રીતે જીવંત કરવાની ખેવના સાથે અંકલેશ્વર અંબે ગ્રીન વેલી સોસાયટીમાં રહેતા સ્મિતા શાહે શરૂ કરી છે. તેઓ આ ચિત્રકળામાં ભીંત ચિત્રો કે જમીન પર કરવામાં આવતા ચિત્રોને કેનવાસ પર લઈ આવ્યા છે અને કેનવાસ પર તેને ઊજાગર કરી પ્રંસગોરૂપ ચિત્રો તૈયાર કરી રહ્યા છે.

 વર્તમાન સમયમાં કોરોના મહામારીને લઈ જીવંત શૈલી લોકોની બદલાય છે ત્યારે આ મહામારીથી બચવા અને તેને રક્ષણ માટે કામ કરતા કોરોના વોરિયર્સને સાંકેતિક રૂપે ચિત્રમાં કંડારી તેના માધ્યમથી માસ્ક પહેરવાની અપીલ સાથે સોશિયલ ડિસ્ટન્સનું મહત્ત્વ સમજાવ્યું છે.સામાન્ય રીતે વારલી ચિત્રો માનવ જીવન અને તેના ધાર્મિક ઉત્સવો સાથે સંકળાયેલા હોય છે, જેને નવતર સ્વરૂપ આપી સ્મિતા શાહે જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે. અને આ કળા લોકો સુધી પહોંચે અને લોકો તેને શીખી જીવનમાં અપનાવી કેનવાસ પર કંડારવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી.

(10:34 pm IST)