વડોદરાના અટલાદરામાં સગીર વયની વિદ્યાર્થીનીને પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરનાર શિક્ષકને અદાલતે આજીવન કેદની સુનવણી કરી
વડોદરા:શહેરના અટલાદરાના જય ટયૂશન કલાસની ધો.12 સાયન્સની સગીર વયની વિદ્યાર્થિનીને પેપર લીક કરાવીને પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપીને વિવિધ શહેરની હોટલમાં દુષ્કર્મ ગુજારવાનો આરોપ ધરાવતાં ટીચર વિનુ કતારીયાને અદાલતે બળાત્કાર અને પોકસોના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
શિક્ષણ વિભાગ દ્વારા વિનુ કાતરિયાની (રહે - સહજાનંદ ડુપ્લેક્સ ,ચાણક્ય નગરી પાછળ, કલાલી રોડ ,વડોદરા -મૂળ/રહે. ગીર સોમનાથ)વર્ષ 2009માં ગોરવા રોડની અગ્રણી એલેમ્બિક સ્કૂલમાં બાયોલોજી ટીચર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. બે વર્ષ અગાઉ તેની સામે માંજલપુર પોલીસ મથકે વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને શિક્ષક પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જે અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીને આજીવન કેદ સુધી લંબાવી શકાય તેવી સખત કેદની સજા અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે. ચુકાદો આપતા સમયે અદાલતે નોંધ્યું હતું કે, આરોપી શિક્ષક હોય અને પત્ની તથા બે સંતાનોનો પિતા હોવા છતાં પોતાની પત્ની અને નાની દિકરીના ભવિષ્યની ચિંતા કર્યા વિના વાસનામાં અંધ બની માત્ર પોતાની હવસ સંતોષવાના ભાગરૂપે સગીર વિદ્યાર્થિનીને શિક્ષણ આપવાના બદલે પોતાના શિક્ષક તરીકેના હોદ્દાનો દુરપયોગ કરી લાંબા સમય સુધી શારીરિક શોષણ અને બળાત્કાર કરી હેવાનિયતભર્યું કૃત્ય આચર્યું છે તે જોતા આરોપીઓનું કૃત્ય અત્યંત ગંભીર પ્રકારનું કૃત્ય છે આવા ગુનામાં આરોપીને યોગ્ય સજા કરવામાં ના આવે તો તેનાથી સમાજમાં ખોટો સંદેશો જશે.