ગુજરાત
News of Thursday, 21st January 2021

નાંદોદ તાલુકાના વિરપોર નજીક રીંગણી ગામ પાસે દીપડાએ ગાયને શિકાર બનાવી મારણ કરતા લોકોમાં ફફડાટ

-ઘણા દિવસથી વિરપોર તરફ દીપડો લટાર મારતો જણાતા વન વિભાગે પાંજરું પણ ગોઠવ્યું છે છતાં ગાયને શિકાર બનાવી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કેટલાક ગામોની સીમમાં દીપડા ફરતા જોવા મળે છે ત્યાં વન વિભાગ પાંજરા પણ મૂકે છે છતાં દીપડા જાણે પારખી ગયા હોય એમ પાંજરે ન પુરાઈ મૂંગા જાનવરોને પોતાનો ખોરાક બનાવતા ગ્રામજનોમાં ભય ફેલાયો હોય હાલ માં નાંદોદના વિરપોર ગામ તરફ દીપડો દેખા દેતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હોવા છતાં દીપડાએ એક ગાયનું મારણ કરતા ગ્રામજનો ફફડી રહ્યા છે.

 રાજપીપળા વન વિભાગના ફોરેસ્ટર અક્ષયભાઈ પંડ્યાના જણાવ્યા મુજબ વિરપોર નજીક રીંગણી ગામના ગૌચરમાં એક વ્યક્તિ ઢોર ચરાવવા ગયા બાદ એક ગાય ઓછી જણાતા તેની શોધખોળ બાદ એ મૃત હાલતમાં મળતા રાજપીપળા વન વિભાગના ફોરેસ્ટર અક્ષય પંડ્યા, બીટગાર્ડ બી.પી.વસાવા અને વેટરનરી ડો.વસીમભાઈ એ સ્થળ તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ દીપડાએ ગાયનું મારણ કર્યું હોવાનું જણાઈ આવ્યું છે. હાલ વન વિભાગની ટિમ દીપડાને પકડવા મહેનત કરી રહી છે.

(12:48 am IST)