ગુજરાત
News of Sunday, 22nd November 2020

અમદાવાદમાં કરફ્યુના માહોલ વચ્ચે વિવિધ પરીક્ષાઓ પ્રારંભ: પરીક્ષાર્થી ઉમેદવારોને છૂટ આપવામાં આવી

અમદાવાદ: શહેરમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવાના ભાગરૂપે 57 કલાકનો કરફ્યુ લગાવવામાં આવ્યો છે. જો કે આ કરફ્યુ  દરમિયાન પરીક્ષાઓ રદ્દ કરવામાં નથી આવી અને પરીક્ષાર્થી ઉમેદવારોને છૂટ આપવામાં આવી છે, ત્યારે આજે કરફ્યૂના બીજા દિવસે શહેરમાં અલગ-અલગ પરીક્ષાઓ યોજાઈ રહી છે.

અમદાવાદમાં સ્ટાફ સિલેક્શન કમિશન  દ્વારા કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ (ટીઅર-3)ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના 4 સેન્ટરો પર 1097 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા 10 વાગ્યે શરૂ થઈ ગઈ છે, જેનો સમય 1 કલાકનો રહશે. આ એક્ઝામમાં પાસ થનાર ઉમેદવાર વિદ્યાર્થીએ ટીઅર-4ની એક્ઝામ આપવાની રહેશે.

આ સિવાય ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટડ એકાઉન્ટ્સ ઑફ ઈન્ડિયા દ્વારા પણ આજે પરીક્ષા યોજાઈ રહી છે. જેમાં CAની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારોને 21 અને 22 નવેમ્બરે પરીક્ષામાં જવાની છૂટ આપવામાં આવી છે. CAની ઈન્ટરમીડિયેટ એક્ઝામ આજથી શરૂ થશે.

જણાવી દઈએ કે, અગાઉ કોરોના મહામારીના પગલે ચાર્ટડ એકાઉન્ટન્ટની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હતી. જો કે હવે CA ફાઈનલની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે. જેમાં અંદાજે 2500 થી 3000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

(11:26 am IST)