ગુજરાત
News of Sunday, 22nd November 2020

સલામ સુરત પોલીસ કમિશનર અજય તોમર : સુરત પોલીસની અનોખી પહેલ : હવે તમારા ઘરના વૃદ્ધોને રંજાડશો તો પોલીસ કરશે આ કાર્યવાહી

પરિવારોમાં વૃદ્ધ તેમજ અશક્ત માતા-પિતાને રંજાડતા બાળકો અને પરિવારોની હવે ખૈર નથી

સુરત:  સંયુક્ત કુટુંબમાંથી પરિવારો છૂટા પડતાં જ વૃદ્ધ માતા-પિતાની હાલત કફોડી થઈ જાય છે. કેટલાય પરિવારો એવા છે જેમાં સિનિયર સિટીઝન્સને બાળકો રાખવા તૈયાર થતાં નથી. અનેક કિસ્સાઓમાં એવું પણ જોવામાં આવ્યું છે કે પરિવારોમાં વૃદ્ધ તેમજ અશક્ત માતા-પિતાને રંજાડવામાં આવે છે કે અનેક તકલીફો આપવામાં આવે છે. એવા બાળકો અને પરિવારોની હવે ખૈર નથી. સુરત પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. પોલીસની આ પહેલથી હવે માતાપિતાને રંજાડતા પરિવારો પર અંકુશ આવશે. એટલુંજ નહીં નિરાધાર અને એકલા રહેતા વૃદ્ધોની સારસંભાળ પણ શક્ય બનશે. સુરત પોલીસ (Police) દ્વારા શહેરનાં પોલીસ સ્ટેશનો પર સ્પેશિયલ સ્કવોડ તૈયાર કરવામાં આવી છે. જે શહેરની સિનિયર સિટીઝન્સને કોઇ તકલીફ હશે તો તેને ગંભીરતાથી લેશે. એટલું જ નહીં શહેરના સિનિયર સિટીઝનને કોઇ હેરાનગતિ હોય તો તેઓ ત્વરીત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે.

સુરત શહેર પોલીસ દ્વારા હાલમાં નવતર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં બે હજાર સિનીયર સીટીઝનોની યાદી ફોટા સાથે તૈયાર કરવામાં આવી છે. આ તમામ લોકોની યાદી જે તે પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે. તેમાં પારિવારિક કે શારીરિક અને માનસિક રીતે શહેરની સિનીયર સીટીઝન્સ કેવી હાલતમાં જીવે છે તેનો કયાસ હવે પોલીસ લગાવી રહી છે. આ માટે તમામ પોલીસ સ્ટેશનો પર સ્પેશિયલ સ્કવોડ તૈયાર કરવામાં આવી છે. જે શહેરની સિનિયર સિટીઝન્સને કોઇ તકલીફ હશે તો તેને ગંભીરતાથી લેશે.

પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે શહેરના સિનિયર સિટીઝનને કોઇ હેરાનગતિ હોય તો તેઓ ત્વરીત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત સીપીનો ડાયરેક્ટ પણ શહેરનો કોઇ સિનિયર સિટીઝન સંપર્ક કરી શકે છે. સિનિયર સિટીઝનોને જો કોઇ રંજાડતું હશે તો તે નહીં ચલાવી લેવાય આ માટે તમામ પોલીસ સ્ટેશનોને આકરી કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. અડાજણ, ઉમરા, લિંબાયત , પાંડેસરા, મહિધરપુરા વિસ્તારોમાં સિનિયર સિટીઝન કલબનો સંપર્ક કરીને તમામ વિગતો મેળવવામાં આવી રહી છે. આ મામલે પોલીસ દ્વારા હાલમાં ઘરે ઘરે સર્વે કરવામાં આવી રહ્યો હોવાની વાત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા કરવામાં આવી છે.

(1:09 pm IST)