ગુજરાત
News of Sunday, 22nd November 2020

નર્મદાના નાંદોદના કુંવરપરા ગામને 70 વર્ષ બાદ ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો: બે વર્ષમાં વિકાસની હરણફાળ

RCC રોડ રસ્તા, સોલર સ્ટ્રીટ લાઈટ, પાણી, વીજળી તથા ગામમાં ઘરે ઘરે પાણી માટે નળ: સરપંચ દ્વારા દર વર્ષે 11,000 વૃક્ષોનું વાવેતર

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુંવરપરા ગામને 70 વર્ષ બાદ ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો હતો.ગ્રામજનોએ વખતો વખત લોકસભા, વિધાનસભામાં મત આપી શકે પણ બીજી ચૂંટણીમાં મત આપી શકતા ન્હોતા.આખરે એ ગામના લોકોની રજૂઆતો રંગ લાવી અને 70 વર્ષ બાદ 2018માં કુંવરપરાને ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો.ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને નિરંજન વસાવા. પ્રથમ સરપંચ બન્યા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલ નાનકડું કુંવરપરા ગામ આજે વિકાસની હરણ ફાળ ભરી રહ્યું છે.જેમાં સરપંચ નિરંજન વસવાની મહત્વની ભૂમિકા રહેલી છે.આઝાદીના સમયથી કુંવરપરાના ગ્રામજનો તેમના ગામને ગ્રામ પંચાયતનો દરજ્જો મળે તે માટે લડત લડી રહ્યા હતા.2018 માં જ્યારે કુંવરપરા ગામને ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો અને સૌ પ્રથમ નિરંજન વસાવા સરપંચ તરીકે ચૂંટાયા ત્યારથી જ તેઓએ પ્રણ લીધું કે પોતાના નાનકડા એવા કુંવરપરા ગામને વિકાસથી વંચિત નહિ રહેવા દે.

હાલ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ઘણા ગામો વિકાસથી વંચિત છે. બે જ વર્ષના સમય ગાળામાં સરપંચ નિરંજન વસાવાએ કુંવરપરા ગામને વિકાસની પ્રથમ હરોળમાં લાવી દીધું છે. તેઓએ RCC રોડ રસ્તા, સોલર સ્ટ્રીટ લાઈટ, પાણી, વીજળી તથા ગામમાં ઘરે ઘરે પાણી માટે નળ પહોંચાડી સરકારની સમૃદ્ધ ગામની યોજનાઓ થકી પોતાના ગામને વિકાસના પંથે લઈ ગયા છે.એટલું જ નહિ તેઓએ શરૂઆતથી જ ગામના આદિવાસી ગ્રામજનોને સરકારની વિવિધ વિકાસ લક્ષી યોજનાઓની વારંવાર માહિતી આપી તેઓને સરકારની વિકાસની યોજનાઓનો લાભ અપાવ્યો છે.તેમજ ગામના પાયાના પ્રશ્નોનો નિકાલ તો કર્યાજ છે.

તેની સાથે સાથે હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી દરમિયાન ગ્રામજનોની છીનવાઈ ગયેલી રોજગારીને કારણે ગામનો એક પણ વ્યક્તિ ભૂખ્યો ના સુવે તે માટે અનાજ કીટ, તથા શાકભાજી કિટનું વારંવાર ગામના દરેક ઘરે વિતરણ કરી ગ્રામજનોની લોકડાઉન દરમિયાન મદદ પણ તેઓએ કરી હતી.ત્યારે હાલ ગ્રામજનોને રોજગારી મળે તે માટેના સ્ત્રોત પણ તેઓ ઉભા કરી રહ્યા છે તે બદલ ગ્રામજનો પણ સરપંચનો આભાર માની રહ્યા છે

સમગ્ર ભારતની સાથે સાથે ગુજરાતમાં પણ ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઈ રહી છે. તેને નાથવા નાંદોદ તાલુકાના કુંવરપરા ગામે સરપંચ દ્વારા દર વર્ષે 11,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ 11,000 વૃક્ષોનું કુંવરપરા ગામના સરપંચ દ્વારા વાવેતર કરાયું.આવનાર સમયમાં ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી વર્તાય તે માટે બે વર્ષ દરમિયાન ટોટલ 22000 વૃક્ષોનું વાવેતર કુંવરપરા ગામની ગૌચર જમીનમાં સરપંચના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

તેમાં ખાસ કરીને સાગ, આમળા, અંબો, ઝમરૂખ, ગુલ્મોર, નીલગીરી, જેવા અન્ય ઘણી જાતિના વૃક્ષોના છોડની વાવણી કરવામાં આવી છે. આ તમામ છોડવાઓના ઉછેર માટે ગામ લોકો દ્વારા 50 ફૂટ ઊંડાણમાં આવેલ ચેકડેમ માંથી બેડાં, અને ડોલ વડે પાણી લાવી છોડવાને પીવડાવવામાં આવે છે. તેની આજુ બાજુમાં ઘાસ કચરુ ઊગી નિકળતા તેની સાફ સફાઈ કરી છોડવાઓની માવજત હાલ કરાઈ રહી છે.આવનાર સમયમાં કુંવરપરા ગામ નંદનવન તો બનશે સાથે સાથે ગ્રામજનોને પણ આ કામ દરમિયાન સારી રોજગારી મળી રહે તેવું આયોજન કરાય રહ્યું છે.ભવિષ્યમાં લોકો ગ્લોબલ વોર્મિંગથી બચી શકે તે માટેની પૂર્વ તૈયારીઓ હાલ કુંવરપરા ગામે હાલ ચાલી રહી છે તેનાથી ગ્રામજનોને રોજગારી પણ મળી રહી છે

(5:20 pm IST)