ગુજરાત
News of Sunday, 22nd November 2020

અંકલેશ્વરમાં બે સગીરાઓ પર સામૂહિક દુષ્કર્મ : પ જબ્બે

બર્થ ડે પાર્ટીમાં બોલાવીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ : પિડીતાઓના તબીબી ચકાસણી બાદ અહેવાલના આધારે બળાત્કારની કલમનો ઉમેરો કરવાની પોલીસની હિલચાલ

અંકલેશ્વર, તા. ૨૨ : બર્થ ડે પાર્ટીમાં બોલાવીને બે સગીરાઓને કેફી દ્વવ્ય પીવડાવીને સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બની હોવાનું બહાર આવ્યુ છે. હાલમાં પિડીતાઓના તબીબી પરિક્ષણ બાદ તબીબી અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. જો કે, પોલીસે કહેવાતા પાંચ બળાત્કારીઓની ધરપકડ કરી હતી.  બીજી તરફ પિડીતાઓના તબીબી ચકાસણી બાદ અહેવાલના આધારે જ બળાત્કારની કલમનો પણ ઉમેરો કરવાની પોલીસે હિલચાલ શરૂ કરી દીધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અંકલેશ્વર ખાતે છેલ્લા બે દિવસથી અંગ્રેજી માધ્યમમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી સગીરા તેની બહેનપણી સાથે ઘરેથી ગાયબ થઇ ગઇ હતી. આ સગીરા વધુ પડતો મોબાઇલનો ઉપયોગ કરતી હોવાથી તેના પરિવારજનોએ તેને ઠપકો આપ્યો હતો. આ સગીરા તેની બહેનપણી સાથે તેના કહેવાતા પ્રેમી સાથે મિત્રની બર્થ ડે પાર્ટીમાં ગયા હતા. જ્યાં પાર્ટી ઉજાણીમાં  કેફી દ્રવ્યોનું સેવન કર્યું હતું.  સગીરાઓ પણ નશામાં ચકચૂર બની હતી.  જે હાલતમાં યુવાનો તેમની પર બળાત્કાર ગુજાર્યો હોવાનો ગંભીર આરોપ સગીરાએ લગાવ્યો હતો.

સગીરાએ તેના ધરે પહોંચ્યા બાદ આ અંગે તેની માતા સાથે વાતચીત કરી હતી.  જેના પગલે તેના પરિવારજનોએ શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સગીરાના ધરે પહોંચી ગયો હતો. પોલીસે બંન્ને સગીરાના નિવેદન લીધા હતા. જેમાં બળાત્કારીઓના નામ સામે આવ્યા હતા.  જેના આધારે પોલીસે પ્રાથમિક તપાસમાં બહાર આવેલા નામોના આધારે પાંચ  યુવાનો  વિશાલ, અક્ષય ઉર્ફે આકાશ, જયેશ, રાહુલ  અને કબીરની અટકાયત કરી હતી.  તેમના તબીબી પરીક્ષણ સામે સાથે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જે નેગેટિવ આવતા જ પાંચેયની ધરપકડ કરી હતી. બંન્ને સગીરાના તબીબી પરીક્ષણ રિપોર્ટ ન આવતા પોલીસે તેઓની હાલમાં પોસ્કો એક્ટ તેમજ અપહરણના ગુનામાં ધરપકડ કરી પૂછપરછ કરી હતી.  બીજી તરફ પોલીસે અક્ષય ઉર્ફે આકાશના ધરે પહોંચી જરૂરી સાંયોગિક પુરાવા એકત્ર કર્યા હતા. તબીબી રિપોર્ટ પર આધાર રાખી તે આવતા જ કોર્ટ ની મંજૂરી મેળવી બળાત્કારની કલમ ઉમેરવા માટે રાહ જોઈ રહી છે. જો કે ઘટનામાં યુવાનો પ્રાથમિક પૂછપરછ તેમજ સગીરાઓનાં નિવેદનમાં સામ્યતા આવતા બંને સગીરા જોડે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની પુષ્ટિ મળી રહી છે. ઝડપાયેલ પાંચ યુવાનો પૈકી બે યુવાનો દારૂ વેચાણ કરવાના ગોરખ ધંધામાં પણ સંડોવાયેલ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જે પણ પોલીસ તપાસનો વિષય બન્યો છે.

(8:00 pm IST)