વડોદરામાં પાણીગેટ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન ગાંજાનો જથ્થો લઈને જતા યુવકને ઝડપી પાડયો
વડોદરા: શહેરના પાણીગેટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચંબુશા બાવાના ટેકરા પાસેથી ગાંજાનો જથ્થો લઇને પસાર થતા યુવકને ઝડપી પાડયા બાદ તેણે ગાંજો પત્ની પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે પતિ-પત્ની વિરૂદ્ધ એન ડી પી એસ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાણીગેટ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પાણીગેટ પાણીગેટ જીઇબી સબ સ્ટેશન પાસેના ચંબુશા બાવાના ટેકરા પાસેથી પસાર થતી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી. તેની પાસે રહેલી થેલીમાંથી ગાંજો મળી આવતા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી. દરમ્યાન તેણે પોતાનું નામ મોહમ્મદ હુસેન યુસુફ ખલીફા (રહે- ચંબુશા બાવાના ટેકરા, પાણીગેટ જીઇબી સબ સ્ટેશન, પાણીગેટ) હોવાનું જણાવ્યું હતું. અંગ જડતી દરમિયાન ખિસ્સામાંથી 4800 રોકડા મળી આવ્યા હતા. પૂછતાછ દરમિયાન આ ગાંજાનો જથ્થો તેની પત્ની ફરીદા યુસુફ ખલીફા( રહે- ચંબુશા બાવાના ટેકરા, પાણીગેટ જીઇબી સબ સ્ટેશન, પાણીગેટ) એ મંગાવી આપ્યો હોવાનું જણાવ્યું હતું.