ગુજરાત
News of Thursday, 24th September 2020

રાજયમાં જિલ્‍લા શિક્ષણધિકારીની મંજુરીથી ધો.૯ અને ૧રના બોર્ડના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે

કોરોનાને લઇને રાજયમાં પ્રવેશથી વંચીત વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ નિર્ણય

અમદાવાદઃ રાજયમાં કોરોનાને કારણે ધો.૧રના બોડૃના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે માધ્‍યમિક શિક્ષણ બોર્ડન મહત્‍વનો નિર્ણય જાહેર કર્યો છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે કોવિડ 19ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ધો. 9થી 12માં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને 30મી સપ્ટેમ્બર સુધી પ્રવેશ આપી શકાશે.ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરીથી 31 ઓક્ટોબર સુધી પ્રવેશ આપી શકાશે તેમ બોર્ડે જાહેર કર્યું છે. આ અંગે રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જાણ કરી છે.

કોવિડ 19ના કારણે હજુ સુધી રાજયમાં કયારથી શાળાઓ શરૂ કરવી તે અંગેનો નિર્ણય હજુ અધ્ધરતાલ છે. પરંતુ શાળાઓના ઓનલાઇન શિક્ષણ અંગે પણ હજુ અવઢવભરી સ્થિતિ છે. કેટલીક જ શાળામાં આ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. તેમાંય વળી ઓનલાઇન શિક્ષણ આપતી શાળાઓની ફીના મામલે વિવાદ સર્જાયો છે. હજુ સુધી તેનું કોકડું ઉકેલાયું નથી ત્યારે બોર્ડે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે.

કોવિડ-19ના લીધે લોકો કરી રહ્યા છે સ્થળાંતર

રાજયમાં કોવિડ 19ના કારણે કેટલાંક લોકો સ્થળાંતર કરી રહ્યાં છે. તેના કારણે હજુ કેટલાંક વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવવાથી વંચિત રહ્યાં છે. કોવિડ 19ની પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે પ્રવેશથી વંચિત રહેલાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને કઇ તારીખ સુધી શાળામાં પ્રવેશ આપવો તે અંગે માર્ગદર્શક સૂચના જાહેર કરવા બોર્ડની કચેરીને રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવાયેલી ધો.10ની પૂરક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પણ ધોરણ 11માં પ્રવેશ મેળવવાનો થાય છે. આ તમામ બાબતોને નજર સમક્ષ રાખીને બોર્ડ દ્વારા વર્ષ 2020-21 માટે ધો.9થી 12માં પ્રવેશથી વંચિત રહેલાં વિદ્યાર્થીઓને શાળામાં 30મી સપ્ટેમ્બર સુધી પ્રવેશ આપવાનો આદેશ જારી કર્યો છે.

વધુમાં જિલ્લા શિક્ષણાધિકારીઓને તમારા તાબા હેઠળની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ કરવાની સાથોસાથ આ હુક્મ અમલ કરવા મોકલી આપવા પણ તાકીદ કરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે શાળાઓ શરૂ થવાનું કાંઇ નક્કી નથી. બીજી તરફ શાળાઓના સ્ટાફ ટૂંક સમયથી શાળાએ જતો થયો છે. પરંતુ હજુ પણ વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં શાળાએ જતાં ડર લાગતો હોવાથી હજુ સુધી કેટલાંય વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો નથી. જો કે બોર્ડનો આ નિર્ણયથી પ્રવેશ નહીં મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને પણ વધુ એક તક બોર્ડ દ્રારા આપવામાં આવી છે.

(9:50 pm IST)