ગુજરાત
News of Friday, 25th June 2021

વડોદરાના બગીખાના વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યાની સાથો સાથ મગરના પ્રવેશની સમસ્યાથી લોકોમાં રોષની લાગણી જોવા મળી

વડોદરા:શહેરના બગીખાના વિસ્તારમાં આવેલી રાજસ્તંભ સોસાયટીમા છેલ્લા ઘણા વર્ષોથી પાણી ભરાવવાની તેમજ મગરો સોસાયટીમાં પ્રવેશી જવાની ઘટનાઓ અવારનવાર ઘટી રહી છે. જે અંગે ઘણી રજૂઆતો છતાં સમસ્યાનું નિવારણ ન થતાં સ્થાનિકો દ્વારા તંત્ર સામે આક્રોશ દર્શાવવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા બગીખાના વિસ્તારની રાજસ્તંભ સોસાયટી પાસે  તળાવ આવેલું છે. જ્યાં ડ્રેનેજના ગંદા પાણીના કારણે તળાવ 365 દિવસ છલોછલ ભરેલું રહે છે. તેમજ વરસાદી કાંસની આસપાસ દબાણને કારણે સોસાયટીમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઇ જાય છે. તળાવમાં 20થી વધુ મગરો સહિત સરિસૃપ જીવો વસવાટ કરે છે. જે આવી પરિસ્થિતિમાં ચોમાસાની ઋતુ દરમ્યાન સોસાયટીમાં પ્રવેશ કરે છે. પરિણામે સ્થાનિકો ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે. ત્યારે સ્થાનિક રહીશોએ કોંગ્રેસના કોર્પોરેટરની આગેવાની હેઠળ તંત્રની કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તંત્રની  નિષ્કાળજીને કારણે સ્માર્ટ સિટી વડોદરા છઠ્ઠા ક્રમાંકેથી ફેંકાઇ વીસમા ક્રમાંકે પહોંચી છે.

(6:07 pm IST)