ગુજરાત
News of Friday, 25th September 2020

હાર્દિક પટેલ ગુજરાત બહાર નહીં જઇ શકે : અરજી ફગાવતી સેશન્સ કોર્ટ

કોંગ્રેસનાં કાર્યકારી પ્રદેશ પ્રમુખે ૯૦ દિ' માટે રાજય બહાર જવા અરજી કરેલ : આ અરજીનો સરકારે વિરોધ કરેલ

અમદાવાદ, તા. રપ : કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ રાજય બહાર જવાની માંગણી સાથે કોર્ટના શરણે ગયા હતાં. હાર્દિક પટેલે રાજય બહાર જવા માટેની પરવાનગી માંગતી અરજી કરી હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. હાર્દિકે રાજય બહાર જવા માટેની શરતો હળવી કરવાની કોર્ટ સામે માંગણી કરી હતી. કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ હોવાથી હાર્દિકને અન્ય રાજયોમાં જવું પડતું હોય છે તેવું તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું. પરંતુ કોર્ટે તેમની માંગણી ફગાવી દીધી છે.

સરકારે આ અંગે એવો વિરોધ કર્યો છે હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી હાર્દિકને રાજય બહાર જવા દેવા યોગ્ય નથી. માત્ર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હોવાથી બહાર જવા દેવાય એ યોગ્ય નથી, કેમ કે કાયદો તમામ માટે સરખો છે. અન્ય રાજયની શાંતિ પણ ભંગ થતી હોવાની સરકારે રજૂઆત કરી હતી. કોર્ટે હાર્દિક પટેલને રાજયની બહાર નહીં જવાની શરતે જામીન આપ્યાં છે. ત્યારે આજે શુક્રવારના રોજ કોર્ટ હાર્દિકની જામીન અરજીને ફગાવી દીધી છે.

વર્ષ ૨૦૧૬માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ , કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ઘ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ કરી છે. આ કેસની કાયદાકીય કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલે છે. છેલ્લાં દ્યણાં સમયથી હાર્દિક સહિતના આ શખ્સો વિવિધ પ્રકારની અરજીઓ કરીને મુદ્દત પડાવે છે. હાલમાં તેમના દ્વારા સામાન્ય કામ હોવાને બહાને કોર્ટમાં હાજર ન રહેવાની અરજીઓ કરતા હોવાથી કેસની ટ્રાયલ ચલાવવામાં પણ મોટો વિલંબ થઇ રહ્યો છે.

૧૮ જાન્યુઆરી ૨૦૨૦ની રાત્રે રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇ વિલંબમાં નાખી મુદ્દતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ ધરપકડ વોરંટ નીકાળ્યું હતું. ત્યાર બાદ હાર્દિકની વિરમગામ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી.

બાદમાં રાજદ્રોહના કેસમાં શરતી જામીન મળતા જ હાર્દિકજેલ બહાર આવ્યો હતો. પરંતુ જેલ બહાર આવતા જ માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરીને સભા સંબોધવા બદલ હાર્દિકની ધરપકડ કરી હતી.

માણસા કોર્ટમાંથી જામીન મળતા જ હાર્દિક પટેલની સિદ્ઘપુર પોલીસે વર્ષ ૨૦૧૭માં ચૂંટણીમાં મંજૂરી વિના સભા કરતા તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ હાર્દિકને જામીન પર છોડવામાં આવ્યો હતો. સિદ્ઘપુર કેસમાં જામીન પર છૂટ્યાં બાદ હાર્દિક સામે વર્ષ ૨૦૧૫માં GMDC ગ્રાઉન્ડ ખાતે નોંધાયેલા રાયોટિંગ કેસમાં તેની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એમ. ઉનડકટે નામંજૂર કરી હતી.

(3:41 pm IST)