ગુજરાત
News of Friday, 25th September 2020

૨૯મીની બેઠકમાં નિર્ણય લેવાશે

રાજયની ૮ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત ટળી

અમે તૈયાર છીએ : નીતીન પટેલ -ગોરધન ઝડફિયા

 અમદાવાદ ,તા.૨૫ :  રાજયમાં ખાલી પડેલી વિધાનસભાની ૮ બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત આજે ટળી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે દિલ્હી ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી કે આગામી ૨૯મી સપ્ટેમ્બરે યોજાનારી બેઠકમાં રાજયોની પેટાચૂંટણી અંગે જાહેરાત કરવામાં આવશે.   રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો છોડાવીને કેસરિયો ખેસ ધારણ કરનારા ૭ ધારાસભ્યો અને એક નિષ્પક્ષ રહેલા ધારાસભ્યના કારણે ભારતીય જનતા પાર્ટી આ તમામ ૮ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા માટે સજ્જ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે જાહેરાત પહેલાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ આ અંગે જાહેરાત કરી હતી. દરમિયાન કોંગ્રેસ પણ આ તમામ બેઠક પર લડી લેવાના મૂડમાં છે. તો આ ઘટનાક્રમની વચ્ચે હવે કયા ઉમેદવારોનું પત્તું કપાશે અને કોને મળશે ટિકિટ એ ચર્ચાએ જોર પકડ્યું  છે.

દરમિયાન રાજયમાં વિધાનસભાની જે ૮ બેઠકો ખાલી પડી છે તેમાં સૌરાષ્ટ્રની ધારી, મોરબી, ગઢડા અને લીંબડી બેઠકનો સમાવેશ થાય છે. જયારે દક્ષિણ ગુજરાતમાં કપરાડા અને ડાંગ જયારે મધ્ય ગુજરાતમાં કરજણ બેઠક જયારે કચ્છની અબડાસા બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મેદાને ઉતર્યા હતા અને જીત્યા હતા. જોકે, તેમમે કોઈ પમ કારણસોર કોંગ્રેસનો પંજો છોડી દીધો હતો.

દરમિયાન ચૂંટણી અંગે માહિતી આપતા નીતિન પટેલે જણાવ્યું હતું કે જીતુ વાઘાણી ભાજપના પ્રદેશ પ્રમુખ હતા ત્યારથી જ આ બેઠકો માટે તૈયારી ચાલી રહી હતી.સી.આર. પાટીલ અધ્યક્ષ બન્યા પછી પણ તૈયારીઓ થઈ છે. અમારી બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી માટે તૈયાર છે.

ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે ભારતીયન જનતા પાર્ટી માટે આ તમામ બેઠકો પર ચૂંટણીમાં વિજય નિશ્યિત છે. હવે રાજયમાં જ્ઞાતિવાદનું ઝેર નહીં ચાલે. એ સમય હતો જે પસાર થઈ ગયો છે. હવે વિકાસના મુદ્દા પર જ જીત થશે.

અબડાસા : આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ વિજેતા થયા હતા. તેમણે વિકાસ ન થતો હોવાનું કારણ ધરી અને પોતાની મૂળ પાર્ટી ભાજપમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ બેઠક પર તેઓ ઉમેદવાર માનવામાં આવે છે.

કપરાડા : કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી આ બેઠક પર ધારાસભ્ય હતા.જોકે, તેમને દક્ષિણ ગુજરાતના દિગ્ગજ નેતા માનવામાં આવે છે અને તેઓ  કોંગ્રેસમાંથી લોકસભા પણ લડ્યા હતા. પરંતુ તેમણે પણ આ બેઠક પરથી રાજીનામું આપી ભાજપ પ્રવેશ કર્યો છે.

કરજણ : કરજણ બેઠક પર  કોંગ્રેસ ઉમેદવાર અક્ષય પટેલ વિજેતા થયા હતા. તેમણે પણ  કોંગ્રેસનો સાથ છોડીને કેસરિયો ખેંસ ધારણ કરી લીધો હતો. અક્ષય આ બેઠક પર ભાજપના ઉમેદવાર માનવામાં આવે છે.

ગઢડા : ગઢડા બેઠક પરથી ભાજપના મંત્રી આત્મારામ પરમારને હરાવીને પ્રવિણ મારૂ વિજેતા થયા હતા. મારૂએ પણ રાજયસભાની ચૂંટણી વખતે  કોંગ્રેસને અલવિદા કહેતા આ બેઠક ખાલી પડી હતી.

મોરબી : મોરબી બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં મૂળ ભાજપના જ નેતા એવા બ્રિજેશ મેરજા જીત્યા હતા. મેરજાએ  કોંગ્રેસ છોડી ભાજપનો ખેંસ ધારણ કર્યો છે. જોકે, આ બેઠક પર ભાજપના જ ઉમેદવાર કાંતિ અમૃતિયાએ વિરોધનો સૂર નોંધાવ્યો હતો.

ધારી : આ બેઠક પર ક કોંગ્રેસના ઉમેદવાર જે.વી.કાકડિયાનો વિજય થયો હતો.તેમણે રાજયસભાની ચૂંટણી સમયે  કોં ગ્રેસ છોડી અને ભાજપનો ખેંસ ધારણ કરી લેતા અહીંયા પેટા ચૂંટણી યોજાશે.

(3:46 pm IST)