ગુજરાત
News of Friday, 25th September 2020

વડોદરાના આજવા રોડ નજીક રામદેવ નગરમાં ગંદા પાણીની સમસ્યાથી લોકોને હાલાકી થતા આંદોલનની ચીમકી આપવામાં આવી

વડોદરા:શહેરના પૂર્વ વિસ્તારમાં વર્ષોથી પાણી દૂષિત આવવું અને ઓછા પ્રેશરથી આવવાની સમસ્યા ઉભી થઇ છે. તેવામાં આજવા રોડ પર છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણીનો ઉપયોગ કરતા રામદેવ નગરના રહીશોને કોરોના મહામારી વચ્ચે રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.

વડોદરા શહેર પૂર્વ વિસ્તાર આજવા રોડ, કમલા નગર તળાવ પાસેના રામદેવ નગર- 2 માં છેલ્લા બે મહિનાથી દુષિત પાણીની સમસ્યા છે વારંવાર સ્થાનિક વોર્ડ કચેરી ખાતે રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી સ્થાનિક રહીશોના પીવાના પાણીના નળમાં ગટર મિશ્રિત કાળુ અને પીળાશ પડતું પાણી આવી રહ્યું છે.

સ્થાનિક રહીશો પાણીનો ઉપયોગ કરતા હોવાથી લોકોને રોગચાળામાં સપડાવવાનો ભય સતાવી રહ્યો છે. નગરજનો પાસે વેરાની વસૂલાતમાં પાવરધુ બનતું નગરપાલિકા સુવિધા પણ આપે તેવી સ્થાનિક રહીશોની માંગ છે. દરમિયાન શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટ જણાવ્યું હતું કે, જો ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે નિંદ્રાધીન તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કરાશે.

(5:36 pm IST)