ગુજરાત
News of Sunday, 25th October 2020

હવે ગુજરાતમાં રૂ. ૩૦ માં કિલો ડુંગળી મળવા લાગશે

૧૦ દિવસમાં રાજસ્થાનથી ડુંગળી ગુજરતમાં ઠલવાશે જેથી ભાવ ઘટશે નાફેડના ડીરેકટરની જાહેરાત

હવે ટૂંક સમયમાં બજારોમાં સસ્તી ડુંગળીનું વેચાણ શરૂ થશે. NAFEDએ આ માટેની યોજના પર કામ શરૂ કર્યું છે. તો, NAFEDના ડિરેક્ટર પણ કહે છે કે આવતા 10 દિવસમાં ડુંગળી રાજસ્થાનથી આવે તેવી સંભાવના છે. આ પછી ડુંગળીનો ભાવ જાતે જ નીચે આવશે. બીજી તરફ NAFEDએ તેના ગોડાઉનોમાંથી બીજા રાજ્યોમાં ડુંગળી મોકલવાનું શરૂ કરી રહ્યું છે. સફળનાં સ્ટોર્સ પરથી પણ સસ્તી ડુંગળી વેચાઇ રહી છે. NAFEDના ડિરેક્ટર કહે છે કે ડુંગળીનો કેટલોક પાક ખરાબ થવાને કારણે ડુંગળીના ભાવમાં આ મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

NAFEDના ડિરેક્ટર અશોક ઠાકુરે જણાવ્યું હતું કે ડુંગળી ટૂંક સમયમાં કિલોદીઠ 21 રૂપિયાના દરે રાજ્યોમાં મોકલવામાં આવશે. આ પછી, પરિવહન અને અન્ય ખર્ચ ઉમેરીને રાજ્યો તે ડુંગળીને બજારોમાં તેમના પોતાના ભાવ પ્રમાણે વેચી શકશે. તો, દિલ્હીમાં, અમે સફળ સ્ટોર પર ડુંગળી 28 રૂપિયા કિલોના દરે વેચી રહ્યા છીએ. નિષ્ણાંતોના મતે NAFED પાસેથી 21 રૂપિયા ડુંગળી મળ્યા બાદ રાજ્ય તેના ખર્ચ ઉમેરીને ડુંગળી કિલોગ્રામદીઠ મહત્તમ 30 રૂપિયાના દરે વેચી શકશે.

કેન્દ્ર સરકાર પાસે હવે ડુંગળી બફર સ્ટોક (Onion Buffer Stock)માં ફક્ત 25 હજાર ટન ડુંગળી બચી છે, જે નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં સમાપ્ત થઈ જશે. NAFEDના મેનેજિંગ ડિરેક્ટર સંજીવકુમાર ચડ્ઢાએ શુક્રવારે આ અંગે માહિતી આપી છે. હાલમાં સ્થાનિક ઉપલબ્ધતા વધારવા અને ડુંગળીના ભાવ ઘટાડવા NAFED ડુંગળીનો બફર સ્ટોક ઉતારી રહ્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં ડુંગળીના ભાવ કિલોદીઠ 75 રૂપિયા થઈ ગયો છે.

ડુંગળીનો બફર સ્ટોક NAFED કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર અને સંચાલિત કરવામાં આવે છે, જેથી જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. આ વર્ષે NAFEDએ બફર સ્ટોક માટે 1 લાખ ટન ડુંગળીની ખરીદી કરી હતી. હવે ડુંગળીના ભાવો પર લગામ લગાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

(12:49 pm IST)