ગુજરાત
News of Friday, 26th February 2021

બાઇક ટો સ્કવોડ ઉપાડી ગઇ : 1200 રૂપિયાની હેલ્મેટ ગુમ થતા હોબાળો : પોલીસે દંડ માફ કર્યો : સુભાષબ્રીજ સર્કલ પાસેની ઘટના

અમદાવાદમાં પાર્કીંગના અભાવે ફૂટપાથ પર બાઇકનું પાર્કીંગ કર્યું હોવા છતાં ટો સ્કવોર્ડ તે ઉપાડી ગયા હતા. જેથી બાઇકના માલિકે તેમની 1200 રૂપિયાની હેલ્મેટ બાઇકમાંથી ગુમ થવા મુદ્દે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે પોલીસ મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી. આખરે પોલીસે દંડની રકમ માફ કરીને બાઇક પરત કરી દીધું હતું.

  શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતાં અને રાયપુર વિસ્તારમાં ધંધો કરતાં વેપારી મુકેશ દવે આજે બપોરે સુભાષબ્રીજ સર્કલ પાસે આવેલા આસ્થા કોમ્પ્લેક્ષમાં આવેલી ભારતીય સ્ટેટ બેંકમાં કામઅર્થે ગયા હતા. પાર્કિંગના અભાવે તેમણે પોતાનું બાઇક ફૂટપાથ પર પાર્ક કર્યું હતું. બાદમાં બેંકની કામગીરી પૂર્ણ કરીને તેઓએ બહારે આવીને જોયું તો બાઇક ગુમ હતું. જેથી તેઓએ તપાસ કરતાં સીકયોરીટી ગાર્ડે તેમનું બાઇક અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ સંચાલિત ટો સ્કવોર્ડવાળા લઇ ગયા હોવાનું કહ્યું હતું. તે બાઇક સુભાષબ્રીજ સર્કલ પાસેના લીંમડાના ઝાડ નીચે લઇ ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી ગરમીમાં હાંફળા-ફાંફળા મુકેશભાઇ ત્યાં પહોંચ્યા હતા

ત્યારે પ્રથમ તો તેમણે પોતાનું બાઇક ફૂટપાથ પર મૂકયું હોવા છતાં કેવી રીતે લઇ ગયા, આ સત્તા તો માત્ર કોર્પોરેશનને હોવાની રજૂઆત કરી હતી. જેના જવાબમાં પોલીસે તેમનું વાહન રોડ પર હોવાની દલીલ કરી હતી. આ દલીલો વચ્ચે મુકેશભાઇએ તેમની બાઇક પર ભરાવેલી 1200 રૂપિયાની હેલ્મેટ ગુમ હોવાની ફરિયાદ કરી હતી.

આ ફરિયાદથી પોલીસ મૂંઝવણભરી પરિસ્થિતિમાં આવી ગઇ હતી. તેમ છતાં પોલીસે જવાબમાં કહ્યુ હતું કે, બાઇકમાં હેલ્મેટ ન હતી. તે દર્શાવવા પોલીસે ઘટનાસ્થળેથી વાહન ઉપાડયું તે સમયે પાડેલા ફોટાં બતાવ્યા હતા. આ ફોટાં મુકેશભાઇ માટે પુરાવા સમાન સાબિત થયા હતા. અને પોલીસ ખોટું બોલી રહી હોવાનો પુરાવો હાથ લાગી જતાં મુકેશભાઇએ પોલીસને તેમના ફોટામાં જ બતાવ્યું હતું કે, તેમનું બાઇક ફૂટપાથ પર પાર્ક કર્યું હતું. છતાં તમે કેવી રીતે ઉપાડી ગયા તેવો પ્રશ્ન કરવાની સાથોસાથ બાઇકમાં ભરાવેલી 1200 રૂપિયાની હેલ્મેટ કયાં છે તેવો ધારદાર પ્રશ્ન કર્યો હતો. આ બંને પ્રશ્નોના પોલીસ પાસે કોઇ જવાબ ન હોવાથી મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાઇ ગઇ હતી. ત્યાં સુધી કે પોલીસને પરસેવો છૂટી ગયો હતો. જો આ અંગેની ફરિયાદ ઉચ્ચ સત્તાવાળાઓ સુધી પહોંચશે તો તેઓ મુશ્કેલીમાં મૂકાઇ જશે તેવા ભયથી થરથર કાંપી ઉઠેલી પોલીસે આખરે દંડની રકમ જતી કરવાનું કહીને મુકેશભાઇને બાઇક પરત કરીને મામલો થાળે પાડયો હતો.

વેપારી મુકેશભાઇએ ગુજરાત એક્સકલુઝીવના પ્રતિનિધિને ફોન કરીને જણાવ્યું હતું કે, 1200 રૂપિયાની હેલ્મેટ જવા દેતાં પોલીસે દંડનો મુદ્દો છોડીને મને બાઇક પરત આપી દીધી હતી

(11:59 pm IST)