ગુજરાત
News of Monday, 26th October 2020

નીતિનભાઈ પર ચપ્પલ ફેકાયું :પક્ષપલટુ અને ગદ્દાર સામેનો રોષ અન્ય જગ્યાએ ખોટી રીતે વ્યક્ત થયો

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ઘટનાને વખોડતાં કહ્યું, જનતામાં રોષ છે પણ તેને વ્યક્ત કરવાની આ રીત નિંદનીય

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી પ્રચાર હાલ જોરશોરમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલ કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું અને માઇક પર પડ્યું હતુ. ચપ્પલ ફેંકાયાની ઘટના બાદ પણ તેમણે મીડિયા સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું.

ચપ્પલ ફેંકાયાની ઘટના બાદ પોલીસે જણાવ્યું કે, ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા નાયબ મુખ્યમંત્રી પર ફેંકાયેલા ચપ્પલની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી.

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ઘટનાને વખોડતાં કહ્યું, જનતામાં રોષ છે પણ તેને વ્યક્ત કરવાની આ રીત નિંદનીય છે. ભાજપની સભામાં ચપ્પલ ફેંકાય તેમાં કોંગ્રેસ ક્યાંથી આવે. પક્ષપલટુ અને ગદ્દાર સામેનો રોષ અન્ય જગ્યાએ ખોટી રીતે વ્યક્ત થયો. રાહુલ ગાંધી પર પથ્થર અને મનમોહન સિંહ પર જૂત્તુ ફેંકાયું ત્યારે ભાજપે ઘટનાને વખોડવાની જરૂર હતી. કોઈપણ ઘટનાનો દોષ કોંગ્રેસ અને વિપક્ષને આપવાની નીતિ ભાજપે બદલવી જોઈએ.

(9:06 pm IST)