ગુજરાત
News of Monday, 26th October 2020

ગર્ભ ધારણ કરનારી મહિલાના પ્લાઝમાથી સારવાર ન થાય

કોરોનાની સારવારમાં પ્લાઝમા થેરાપીને લઈને દાવો : મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના વડાની સ્પષ્ટતા

રાજકોટ, તા. ૨૬ : કોરોનાની સારવાર માટે પ્લાઝ્મા થેરાપી ઉપયોગી સાબિત થઈ છે, પરંતુ જે મહિલા એક વખત પણ ગર્ભવતી થઈ હોય તો તેના પ્લાઝ્માથી કોરોના દર્દીની સારવાર કરી શકાતી નથી, રાજકોટ મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના વડા અને પૂર્વ ડિન ડો. ગૌરવી ધ્રુવે કહ્યું હતું કે, ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના રક્તમાં અનેક પ્રકારના એન્ટીબોડી બન્યા હોય છે તે બીજાના શરીરમાં જાય તો ફેફસાને નુકસાન કરી શકે છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ જેનું વજન ૫૦ કિલો ઉપર અને ઉંમર ૧૮ કરતા વધુ હોય તો પુરુષ પ્લાઝમા ડોનેટ કરી શકે છે, પણ મહિલાની બાબતમાં ગર્ભાવસ્થા સૌથી મોટી બાબત છે. જો મહિલા પોતાના જીવનમાં કોઇપણ તબક્કે ગર્ભવતી બની હોય, પ્રસૂતિ થઈ હોય કે પછી ગર્ભપાત થયો હોય તેના પ્લાઝમા કોરોનાની સારવાર માટે લઈ શકાતા નથી. કારણ કે, ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના શરીરમાં અનએક્સપ્લેઈન્ડ એન્ટિબોડી બને છે જેના પર સંશોધન થયા નથી. આવા એન્ટિબોડી બીજાના શરીરમાં જાય તો ટ્રાન્સફ્યુઝન રિલેટેડ એક્યુટ લંગ ઈંજરી(ટ્રાલી) એટલે કે ફેફસાંને નુકસાન કરતો રોગ થઈ શકે છે.

કોરોના ફેફસાં પર જ હુમલો કરે છે તેવા સમયે ટ્રાલી રોગ થાય તો જોખમ વધી જાય તેથી જ આઈસીએમઆરની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે આવી મહિલાઓના પ્લાઝમા ન લેવા. અત્યાર સુધીમાં પ્રેગન્નસી દરમિયાન બનતા હોય તેવા એક જ પ્રકારના એન્ટિબોડી પર પૂરું સંશોધન થયંણ છે જેને આરએચ એન્ટિજન કહેવાય છે. તેની સમજણ થકી સરળતાથી મહિલાના શરીરમાં બનતા એન્ટિબોડી જાણી શકાય છે.

જે રક્તકણોના બહારના ભાગમાં એન્ટિજન હોય છે તેને પોઝિટિવ બ્લડ ગ્રૂપમાં મુકાય છે અને જે રક્તકણોમાં એન્ટિજન નથી હોતા તેને નેગેટિવ બ્લડ ગ્રૂપમાં મુકાય છે. કોઇ મહિલા કે જેનું બ્લડગ્રૂપ નેગેટિવ હોય અને ગર્ભવતી બને અને જો તેના ગર્ભમાં રહેલા બાળકનું બ્લડ ગ્રૂપ પોઝિટિવ હોય તેવી સ્થિતિમાં આરએચ એન્ટિજન બની શકે છે. ગર્ભનાળમાંથી જો બાળકનું લોહી કોઇ કારણે માતાના લોહી સુધી પહોંચે તો તેના રક્તમાં રહેતા એન્ટિજન મહિલાના શરીરની ઈમ્યૂન સિસ્ટમને એક્ટિવ કરી શકે છે અને આ કારણે આરએચ એન્ટિબોડી બને છે. મોટાભાગે પ્રથમ પ્રસૂતિમાં સમસ્યા નડતી નથી. બીજી પ્રસૂતિ વખતે પણ જો બાળકનું બ્લડગ્રૂપ પોઝિટિવ હોય તો ગર્ભનાળ દ્વારા જે રક્ત બાળક સુધી જાય છે તેના ભેગા એન્ટિબોડી પણ જાય છે અને તે બાળકના લોહીના એન્ટિજનને ખતમ કરે છે અને તેના કારણે રક્તકણોનો પણ ક્ષય થાય છે. આ સ્થિતિને હિમોલિટિક ડિસીઝ ઓફ ન્યૂ બોર્ન કહે છે તેથી સગર્ભાઓને એનટીડી ઈન્જેક્શન એટલ કે આરએચને ન્યૂટ્રલાઈઝ કરવા ડીએન્ટિજન અપાય છે. જે એન્ટિબોડી નિષ્ક્રિય બનાવે છે. આ ફક્ત એક જ પ્રકારના એન્ટિબોડીની વાત છે. મહિલાના શરીરમાં ગર્ભાવસ્થા દરમિયાન આવા ઘણા પ્રકારના એન્ટિબોડી બને છે જેનું પણ હજુ સુધી સંશોધન પૂરું કરી શકાયું નથી.

(9:18 pm IST)