ગુજરાત
News of Friday, 26th February 2021

સુરતમાં કેજરીવાલનો રોડ શો : સરથાણામાં જાહેરસભા બીજી તરફ પાર્ટીના 368 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી

મનપા ચૂંટણીમાં સુરતના 27 સિવાયના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

અમદાવાદ: ગત 23 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામ જાહેર થયા હતા. પરિણામ જાહેર થયા બાદ આમ આદમી પાર્ટી (AAP) પોતાના વિજયની ઉજવણી કરી રહી છે. અરવિંદ કેજરીવાલે સુરતના સરથાણામાં જાહેર સભા સંબોધી હતી. અહીં તેમણે પોતાનાં ચીર પરીચીત અંદાજમાં શાળા, વિજળી, રોડ, રસ્તા અને ગટરના મુદ્દે દિલ્હીના ઉદાહરણ આપીને આત્મશ્લાઘા કરી હતી. દિલ્હીમાં 10 લાખથી વધારે યુવકોને રોજગારી આપવાની વાત કરી હતી.

તેમણે જણાવ્યું કે, અમે છેલ્લા 2 વર્ષમાં 10 લાખ નોકરી અપાવી શકતા હોઇએ તો 25 વર્ષમાં ભાજપે શું કર્યું? આજે ગુજરાતમાં યુવક કોલેજ માટે ધક્કા ખાય છે.

કોલેજ પાસ કરે પછી નોકરી માટે ધક્કા થાય છે. ભાજપે જે કામ 25 વર્ષમાં નથી કર્યું તે અમે 5 વર્ષમાં કરી દેખાડ્યું. અમને ગુજરાત માં 5 વર્ષ આપો તમે આમના 25 વર્ષ ભુલી જશો. પરંતુ પરિણામ પર નજર કરીએ તો 6 મહાનગર પાલિકાથી 368 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ડિપોઝીટ પણ જપ્ત થઇ છે.

ડિપોઝીટ જપ્ત થયેલ આંકડાની વાત કરીએ તો સુરત શહેરમાં 65, વડોદરા  શહેરમાં 41, ભાવનગર  શહેરમાં 39, અમદાવાદ શહેરમાં 155 અને રાજકોટ  શહેરમાં 68 બેઠકો પર આમ આદમી પાર્ટી ના ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઇ છે. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે 6 મહાનગરપાલિકાની તમામ બેઠકો ઉપર ઉમેદવાર ઊભા રાખેલા નહોતા ટૂંકમાં સુરતના 27 સિવાયના તમામ ઉમેદવારો ડિપોઝિટ ગુમાવી છે.

આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતથી વિજય પ્રાપ્ત કરવાનો પ્રદેશ ભાજપનો દાવો છે.

(12:32 am IST)