ગુજરાત
News of Sunday, 27th September 2020

ઇ-લોક અદાલતમાં એક જ દિવસમાં સમગ્ર રાજ્યના પડતર કુલ 10,945 કેસોનો નિકાલ

પડતર 10,142 કેસો તથા પ્રી લીટીગેશન 803 કેસો નિકાલ : 1,91,19,11,797 રૂપિયાની રકમ સમાધાન પેટે ચૂકવાઇ

અમદાવાદ: રાજયની પ્રથમ વખત ઇ-લોક અદાલતમાં સમગ્ર રાજયમાં પડતર 10,142 કેસો તથા પ્રી લીટીગેશન 803 કેસો મળીને કુલે 10,945 કેસોનો નિકાલ થયો છે. તથા 1,91,19,11,797 રૂપિયાની રકમ સમાધાન પેટે ચૂકવાઇ છે. જેમાં સૌથી વધુ અમદાવાદની મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટોમાં 1,188 કેસોનો નિકાલ કરીને રાજયમાં તમામ અદાલતોમાં પ્રથમ ક્રમે રહી છે.

આ ઉપરાંત જિલ્લા કોર્ટોમાં રાજકોટ ન્યાયાલયમાં કુલ 972 કેસોનો નિકાલ કરીને બીજું સ્થાન હાંસલ કર્યું છે. રાષ્ટ્રીય કાનૂની સત્તા મંડળ, નવી દિલ્હીની સૂચના અનુસાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ રાજયમાં આ ઇ-લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોવિડ 19 વાયરસના કારણે સમગ્ર દેશમાં ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા હતા. જેના કારણે આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ ગઇ હતી. તે જ રીતે કોર્ટોની કામગીરીને પણ સીધી અસર થવા પામી હતી. પરિણામ સ્વરુપે પડતર કેસોની સંખ્યામાં પણ વધારો થયો હતો.

આ કપરી સ્થિતિમાં પણ કેસો ચલાવીને કેસોનું ભારણ ઘટાડવા તથા લોકોને ન્યાય વહેલીતકે મળે તે માટે ઇ-અદાલત શરૂ કરવામાં આવી છે. આવી વિકટ પરિસ્થિતિમાં કોર્ટોમાં પડતર કેસોનું ભારણ ઘટાડવામાં ઇ- લોક અદાલતના માધ્યમથી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અને રાજયના ન્યાયતંત્રને મદદરૂપ થયેલ છે.

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી દ્રારા નોમીનેટ થયેલા સુપ્રિમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તેમ જ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન-ઇન- ચીફ વિક્રમનાથના કુશળ નેતુત્વ અને સૂચના મુજબ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ આર. એમ, છાયા અને હાઇકોર્ટ કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ બી. એમ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ રાજય દરેક જિલ્લા કાનૂની સેવા મંડળના અધ્યક્ષઓને ઇ- લોક અદાલતના દિવસે વધુમાં વધુ કેસોનો નિકાલ થાય તે માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આથી રાજયમાં આયોજીત કરવામાં આવેલી ઇ – લોક અદાલતને ભવ્ય સફળતા પ્રાપ્ત થયા છે.

(9:52 pm IST)