ગુજરાત
News of Sunday, 27th September 2020

નર્મદા જિલ્લાના કેટલાક ધોધ, નદીના પાણીના પ્રવાહમાં સ્નાન સાથે જોખમી મસ્તી કરતા બાળકો પર લગામ જરૂરી

વારંવાર પાણીમાં ડૂબવાની ઘટનાઓ બાદ પણ જોખમી ડૂબકી બંધ થતી નથી માટે વાલીઓએ જાગૃત થવું જરૂરી:ભદામની કરજણ નદીમાં ડૂબેલા બે બાળકો પૈકી હજુ એકનો મૃતદેહ મળ્યો નથી છતાં આવી ઘટનાઓ વારંવાર જોવા મળે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઘણા ધોધ આવેલા છે જે પર્યટકો માટે એક ફરવાલાયક સ્થળ છે પરંતુ ઘણી વખત નાના બાળકો સહિત મોટેરાઓ પણ આ ધોધ નીચે સ્નાન સાથે મસ્તી કરતા હોય વારંવાર પાણી માં ડૂબી જવાના બનાવો બન્યા છે જેમાં કેટલાય મોતને પણ ભેટ્યા છે છતાં ધોધ પરની મસ્તી કે નદીમાં જોખમી સ્નાન હજુ બંધ થતું નથી, હાલમાંજ રાજપીપળા નજીકના ભદામ ગામની કરજણ નદીમાં નાહવા પડેલા બાળકો પૈકી બે ડૂબી ગયા હતા જેમાં હજુ એકનો જ મૃતદેહ મળ્યો છે.માટે જિલ્લાના જોખમી ધોધ અને નદીઓમાં આવી જોખમી મસ્તી કે ડૂબકી ઉપર લગામ જરૂરી જણાય છે.જોકે તંત્રની સાથે વાલીઓએ પણ આ માટે પોતાના સંતાનો પર રોક લગાવવી જરૂરી છે જેથી તેમના વ્હાલસોયા સંતાન ભોગ ન બને.

(9:13 pm IST)