ગુજરાત
News of Tuesday, 27th October 2020

ડીજીવીસીએલમાં કામદાર યુનિયન દ્વારા કર્મચારીના હક્કો માટે આંદોલન શરૂ કર્યું

સુરત લેબર કમિશ્નર મધ્યસ્થી બની સમાધનનો કરેલ પ્રયત્ન ડિજીવીસીએલના જડ મેનેજમેન્ટ ના કારણે નિષ્ફળ રહ્યો. જેનાથી ઉર્જા કંપનીમાં ઉગ્ર આંદોલનના મંડાણ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : DGVCL કંપનીમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કર્મચારીઓના પડતર સામુહિક હિતના પ્રશ્નો બાબતે ડિજીવીસીએલ કંપનીના મેનેજમેન્ટ સામે સુરત કાપોદ્રા સ્થિત વડી કચેરી "ઉર્જા સદન " ખાતે તા.22.10. 2020ના રોજ એક દિવસના સવારે 10 થી સાંજે 5 કલાક સુધી પ્રતીક ઉપવાસ કરી આંદોલન શરૂ કર્યું હતું.જે અનુસંધાને સુરત લેબર કમિશ્નર ઓફિસના સરકારી શ્રમ અધિકારી દ્વારા ડિજીવીસી એલના એમ.ડી ને સમાધાન માટે મધ્યસ્થી કરવા તારીખ 23.10.2020 ના રોજ પત્ર લખી તા. 26.10.2020 ના રોજ લેબર કમિશ્નરની કચેરીએ તેમના પ્રતિનિધિ અને યુનિયન તરફે યુનિયનના પ્રતિનિધિને હાજર રહેવા જણાવેલ હતુ.પરંતુ ડિજીવીસીએલ મેનેજમેન્ટના એચ.આર વિભાગના અધિકારીઓ પોતાની ઓફિસમાં રહી કામ કર્યા કરતા હોય અને લેબર કમિશ્નર ની નોટિસ ને પણ ગણકારેલ ન હતી. અને ડિજીવીસીએલ મેનેજમેન્ટ તરફે કોઈ અધિકારી હાજર રહ્યા ન હતા.જ્યારે લેબર કમિશ્નર સુરત તરફથી સમાધાન કરાવવાનો પ્રયાસ ડિજીવીસીએલ મેનેજમેન્ટના જડ વલણના કારણે નિરર્થક સાબિત થયો હતો.

જ્યારે યુનિયન તરફે આંદોલન જાહેર કર્યા મુજબ આગળ વધારવા જણાવ્યું છે.અને તા.31.10.2020 ના રોજ ડિજીવીસીએલ ના કર્મચારીઓ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવશે.અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ આખા ગુજરાત ની બધી કંપનીમાં માન્યતા ધરાવતું હોય આવા જડ મેનેજમેન્ટ સામે જરૂર પડ્યે MGVCL ના અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સભ્યો પણ ડીજવીસીએલ યુનિયન ના સભ્યોના સમર્થનમાં જોડાશે અને MGVCL ના કર્મચારી ઓ પણ કાળીપટ્ટી પહેરીને ફરજ બજાવશે અને સમર્થન કરશે તેમ જાહેર કર્યું છે.

(10:33 pm IST)