ગુજરાત
News of Tuesday, 27th October 2020

કોંગ્રેસ જ્ઞાતિવાદનું રાજકારણ કરે છે : વિજયભાઇ

પેટા ચૂંટણી પ્રચારમાં નેતાઓએ કર્યા સામસામે આકરા પ્રહાર

રાજકોટ, તા. ર૭ : ગુજરાતમાં પેટા ચૂંટણી માટે પક્ષો જોરશોરથી પ્રચાર ચાલુ થઈ ગયો છે સામસામે બંને પક્ષોએ એકબીજા ઉપર આક્ષેપો પણ ચાલુ જ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ જ્ઞાતિવાદનું  રાજકારણ કરે છે. ગુજરાતમાં પેટાચૂંટણી બાદ દેશમાં કોંગ્રેસ ફરીથી તૂટી જશે. શ્રી રૂપાણીએ  દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારે આવું કહ્યું હતું. વલસાડ જિલ્લાની કપરાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીની ચૂંટણી સભામાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ કહ્યું કે, નેતાઓ વચ્ચે કોંગ્રેસ અને જૂથવાદ વચ્ચે આંતરિક ઝગડો છે. ભાજપે કોંગ્રેસનાં ધારાસભ્યોને કયારેય તોડી નથી પક્ષના નેતૃત્વથી રોષ હતો આથી તે ખુદ કોંગ્રેસ છોડવા તૈયાર હતા. શ્રી રૂપાણીએ અગાઉ કહ્યું હતું કે, જનતાની સેવા કરવા માંગતા નેતાઓ ભાજપમાં આવે તો તેમના માટે દરવાજા ખુલ્લા છે. રૂપાણીએ અહીં કહ્યું હતું કે આઠ બેઠકો પેટા-ચૂંટણીમાં થઇ રહી છે. ગત ચૂંટણીમાં આ બધા કોંગ્રેસ દ્વારા જીત્યા હતા. તેથી,આ ચૂંટણીમાં ભાજપને જેટલી બેઠકો મળશે તે ફાયદાકારક રહેશે.

ગુજરાતના સામાજિક ન્યાય પ્રધાન રમણ પાટકરે કહ્યું હતું કે વિપક્ષના ધારાસભ્યને ઓછી ગ્રાન્ટ મળે છે, તેથી વિકાસ થાય તો શાસક પક્ષના ધારાસભ્યને મત આપો. પાટકર ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીની ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે જીતુ ચૌધરી કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે કામ કરાવવું મુશ્કેલ હતું. વિપક્ષના ધારાસભ્યોને ઓછી ગ્રાન્ટ મળતી હોવાથી, પરંતુ હવે તેઓ કપરાડામાં સરળતાથી વિકાસ કાર્યો કરી શકશે.

 આ નિવેદનની કડક કાર્યવાહી કરતાં કોંગ્રેસે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને પલટવાર કરતાં કહ્યું કે રાજયમાં સરકાર બંધારણની વિરુદ્ઘ કામ કરી રહી છે. ધારાસભ્ય ગુલાબસિંહે કહ્યું કે રાજય સરકારના મંત્રીઓ જાતે સ્વીકારી રહ્યા છે કે ગુજરાતમાં વિપક્ષના ધારાસભ્યોને વિકાસ માટે ઓછી ગ્રાન્ટ આપવામાં આવે છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલને કલંકિત ગણાવતાં કહ્યું હતું કે, ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં પાટિલે ખુદ ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરેલ દસ્તાવેજમાં તેમના ઉપર કેસની માહિતી છે. તો સામે પાટિલે પોતાને કલંક રહિત હોવા અંગે સાબિતી આપવા પણ તૈયાર છે તો સાથે મોઢવાડિયા પાસે માફીની પણ માંગ કરી હતી અને કહ્યું હતું કે જાહેરમાં કહ્યું મોઢવાડિયા માફી માંગે બાકી તેમના ઉપર માનહાનિનો દાવો કરવામાં આવશે.

ગુજરાતના કરજણમાં ચૂંટણી સભા બાદ મીડિયા સાથે વાતચીત કરતી વખતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પર અસામાજિક તત્વો દ્વારા ચપ્પલ ફેંકવામાં આવ્યા. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે, ચંપ્પલ ફેંકનારની ઓળખ થઈ નથી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વડોદરાના કરજણ વિધાનસભા મત વિસ્તારના કરોલી ગામ ચૂંટણી સભાને સંબોધન કર્યા બાદ સોમવારે મોડી સાંજે મીડિયાને સંબોધન કરી રહ્યા હતા. આ દ્યટનાની નિંદા કરતી વખતે ભાજપના મીડિયા પ્રભારી પ્રશાંત વાળા, ડો. અનિલ પટેલ એ કોંગ્રેસ પર સીધી શંકા કરી હતી. જેના વિરોધમાં કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી સાથેની દ્યટના દુૅં ખદ છે. પરંતુ જયારે ગુજરાતમાં જ પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ પર જૂતા ફેંકી દેવામાં આવ્યા હતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા,ત્યારે ભાજપને કોઈ ગંભીર વાત નહતી લાગી.

(2:32 pm IST)