ગુજરાત
News of Tuesday, 27th October 2020

સી પ્‍લેન સામાન્‍ય પેસેન્‍જર પ્‍લેનથી તદ્દન અલગઃ એરોપ્‍લેન લેન્‍ડીંગ અને ટેક ઓફ જમીન ઉપર કરે છે જ્‍યારે સી પ્‍લેન સમુદ્ર, નદી કે તળાવમાં લેન્‍ડ અને ટેક ઓફ કરી શકે છેઃ પાયલોટ કેપ્‍ટન અજય ચૌહાણ

અમદાવાદ: એરોપ્લેનથી અને સી-પ્લેન એ બન્નેમાં તફાવત એટલો જ કે એરોપ્લેન લેન્ડીગ અને ટેક-ઓફ જમીન પર કરે છે, જ્યારે સી-પ્લેન જળ સપાટી પર એટલે કે સમુદ્ર, નદી કે તળાવ પર લેન્ડ અને ટેક-ઓફ કરી શકે છે. આગામી 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સી-પ્લેન સેવાનું લોકાર્પણ કરવાના છે. ત્યારે સી પ્લેનના કેપ્ટન અજય ચૌહાણે મીડિયાને આ વિશેની વધુ માહિતી આપી છે. જે નીચે મુજબ છે.

- અમદાવાદ આવેલા આ ટ્વિન-ઓટર્સ સી-પ્લેનનું વજન 3377 કિલોગ્રામ છે.

- 1419 લીટર ક્ષમતાની બળતણ ટાંકી ધરાવે છે, જે મહત્તમ 5670 કિ.ગ્રા. વજન સાથે ઉડી શકે છે.

- સી-પ્લેન 15.77 મીટર (51 ફુટ) લાંબુ અને 5.94 મીટર ( 19 ફુટ) ઉંચું છે.

- સી પ્લેન PT6A-34 પ્રકારના સિંગલ સ્ટેજ ફ્રી ટર્બાઇનવાળા બે એન્જિન ધરાવે છે. ઉડાન વખતે સી-પ્લેનમાં પ્રતિ કલાક 272 કિ.ગ્રા. બળતણની ખપત થાય છે.

- સી-પ્લેનની ડાબી બાજુ 1.27 બાય 1.45  મીટરનો દરવાજો આવેલો છે.

- સી-પ્લેન 19 પેસેન્જરની ક્ષમતા ધરાવે છે.

સી પ્લેનમાં પાયલટના હાથમાં તમામ કન્ટ્રોલ

સી-પ્લેન સામાન્ય પેસેન્જર પ્લેનથી તદ્દન જુદું હોય છે. પરંપરાગત પેસેન્જર પ્લેન સંપૂર્ણ કમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ ધરાવે છે. જેથી સામાન્ય પેસેન્જર પ્લેનના પાયલોટ માટે લેન્ડિંગ અને ટેક ઓફ એ મુખ્ય કામગીરી રહે છે. આ વિશે કેપ્ટન અજય ચૌહાણે વધુમાં કહ્યું કે, સી-પ્લેનમાં કોમ્પ્યુટર કંટ્રોલ્સ હોતા નથી. વળી તે લો અલ્ટીટ્યુડ પર ( ઓછી ઊંચાઈ પર) ઉડે છે, જ્યાં પાઇલટના હાથમાં જ તમામ નિયંત્રણ હોય છે. એરોપ્લેન જમીનની સ્થિર સપાટી પર લેન્ડિંગ અને ટેક ઓફ કરે છે. જ્યારે કે, સી પ્લેનનું ટેક ઓફ અને લેન્ડિંગ તરલ અને ગતિશીલ એવી જળ સપાટી પર થાય છે. આથી સી-પ્લેનના પાયલોટની કામગીરી વધું પડકારજનક હોય છે.

ફ્રાન્સમાં શોધાયું હતું પહેલુ સી પ્લેન

સી-પ્લેનની શોધનું શ્રેય ફ્રાન્સના હેન્રી ફેબરને જાય છે. 1910માં તેણે 50 હોર્સ પાવરવાળુ સી-પ્લેન ઉડાવ્યું હતું. બ્રિટિશ કંપની સુપરમરીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ઇ.સ. 1919 માં સૌપ્રથમ ફ્લાઈંગ બોટ સર્વિસ શરૂ કરી હતી. 1930માં અમેરિકા અને યુરોપ વચ્ચે વાહન વ્યવહારના એક માધ્યમ તરીકે સી-પ્લેનનો બહોળો ઉપયોગ થવા લાગ્યો, જેણે સાઉથ અમેરિકા, આફ્રિકા, અને એશિયા વચ્ચે વાહન વ્યવહારના નવા દ્વાર ખોલી આપ્યાં. સી-પ્લેનના કારણે 1931માં ઈંગ્લેન્ડથી ટપાલ ઓસ્ટ્રેલિયા 16 દિવસમાં પહોંચવા લાગી હતી.

વધુ ઊંચાઈએથી સી-પ્લેન તેની ડિઝાઇન અને સ્ટ્રક્ચરને કારણે અત્યંત વધું ઝડપ કે વધૂં ઉંચાઇ પ્રાપ્ત કરી શકતું નથી. સી-પ્લેન જ્યાં જળાશયો ઉપલબ્ધ નથી તેવા જમીની વિસ્તારોમાં બિનઉપયોગી છે તેથી તેનો ઉપયોગ પણ મર્યાદિત છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોએ પ્રશાંત મહાસાગરના દુરદરાજના ટાપુઓ સુધી પહોંચવા સી-પ્લેનનો ખુબ ઉપયોગ કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ ધરી રાષ્ટ્રોમાંના જર્મનીએ Blohm & Voss BV-238 નામનું સૌથી ભારે અને મોટું સી-પ્લેન ઉડાવ્યું હતું. આમ બીજા વિશ્વયુદ્ધમાં સી-પ્લેનનો બહોળો ઉપયોગ થયો હતો. સી-પ્લેનનો સૌથી મોટો ફાયદો એ હતો કે, તેના માટે એરપોર્ટની જરૂર ન હતી અને યુદ્ધ દરમિયાન નવા એરપોર્ટ બનાવવાનો ખર્ચો પણ બચતો હતો. જો કે બીજા વિશ્વયુદ્ધ બાદ પેસેન્જર પ્લેન અને તે માટેના એરપોર્ટમાં રોકાણ વધતા સી-પ્લેનનું ચલણ ઘટતું ગયું હતું. ત્યારબાદની નવી શોધ-તકનિકો અને એડવેન્ચર ટુરિઝમ વધતા સી-પ્લેનને ફરી સાંપ્રત બન્યું છે.

(5:06 pm IST)